
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના સાંસદ સંજય સિંહ(Sanjay Singh)ને સુપ્રીમ કોર્ટ(Supreme Court) રાહત આપી છે. દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં 6 મહિનાની જેલ બાદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે જામીન(Bail) આપ્યા છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે EDને પૂછ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર કેમ છે?
સંજય સિંહના વકીલે કોર્ટને કહ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી અને મની ટ્રેલ પણ મળી નથી. આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ સંજય સિંહને જામીન આપવામાં આવ્યા છે.
AAP સાંસદ સંજય સિંહની EDએ ગયા વર્ષે 4 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. અગાઉ EDએ દિલ્હી હાઈકોર્ટમાં AAP સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંજય સિંહે એ આધાર પર જામીન માંગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં તેની કોઈ ભૂમિકા નથી. તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટની ED તેમની જામીન અરજીનો વિરોધ કર્યો ન હતો.
આજે સુપ્રીમ કોર્ટે સંજય સિંહનના જામીન મંજુર કરતા સ્પષ્ટતા કર્યું કે, “સંજય સિંહ પોતાની રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે.”
સુપ્રીમ કોર્ટે કહ્યું, “ASG કહે છે કે EDને સંજય સિંહને PMLAની કલમ 3 અને 4 હેઠળ ECIR હેઠળની કાર્યવાહી બાકી છે, છતાં જામીન પર મુક્ત કરવામાં તેમને કોઈ વાંધો નથી. અમે હાલની અપીલ સ્વીકારીએ છીએ અને સંજય સિંહને જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ કરીએ છીએ.”