કંપનીઓ ભલે ન સાંભળે, પણ સરકારે સાંભળ્યું! કેન્દ્ર સરકાર પર AAPના નેતા ઓળઘોળ

નવી દિલ્હી: સામાન્ય રીતે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ સામસામા છેડે જ હોય છે, સત્તા પક્ષના ખરડા કે તે અંગેની વિચારણાના સતત વિરોધમાં જ હોય છે. પરંતુ અમુક અપવાદ કિસ્સા રહે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સાંસદે નવા લેબર કોડ હેઠળ ગિગ વર્કર્સ અને ડિલિવરી પાર્ટનર્સ માટે સામાજિક સુરક્ષા નિયમોનો મુસદ્દો જારી કરવા બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી છે અને કેન્દ્ર સરકારની પ્રસંશા કરનાર બીજું કોઈ નહિ પણ સરકારની આકરી ટીકા કરનારા આપના સાંસદ રાઘવ ચઢ્ઢા છે.
અહેવાલો અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયે આ અઠવાડિયે ‘કોડ ઓન સોશિયલ સિક્યોરિટી (સેન્ટ્રલ) રૂલ્સ, 2025’ ના નામે ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા, જેમાં ગિગ વર્કર્સને વિવિધ સામાજિક સુરક્ષા લાભો અને રક્ષણ મેળવવા માટે લાયક બનવાના નિયમો આપવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું કે, તમામ ગિગ વર્કર્સ અને ડિલિવરી પાર્ટનર્સને અભિનંદન. તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના સોશિયલ સિક્યોરિટી નિયમોનો ડ્રાફ્ટ તમારા કામને માન્યતા, સુરક્ષા અને સન્માન આપવાની દિશામાં પ્રથમ પગલું છે. ભલે Zomato, Swiggy, Blinkit, વગેરે પ્લેટફોર્મ્સે તમારી વાત ન સાંભળી, પરંતુ આ દેશના લોકો અને સરકારે સાંભળી છે. આ એક નાની જીત છે, પરંતુ એક મહત્વપૂર્ણ જીત છે.”
ઉલ્લેખનીય છે કે રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી ગિગ વર્કર્સના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે, તેમણે ઘણી વખત સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે શેર કરેલ વીડિયોમાં જણાવ્યું હતું કે, આ ડ્રાફ્ટ નિયમો માત્ર એટલા માટે નથી બનાવવામાં આવ્યા કારણ કે મેં સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તે એટલા માટે બન્યું કારણ કે તમે બધાએ પણ તમારો અવાજ ઉઠાવ્યો હતો. કંપનીઓ અને પ્લેટફોર્મ્સે તમારી વાત ન સાંભળી, પરંતુ સરકારે સાંભળી છે, જેનું સ્વાગત કરવું જોઈએ.



