નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલની ધરપકડ (Arvind Kejriwal arrest) બાદ દેશભરમાં રાજકારણ ગરમાયું છે એવામ દિલ્હી સરકારમાં પ્રધાન આતિશી(Atishi)એ આજે મંગળવારે એક મોટો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) તેમની, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરશે.
આતિશીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે “મને કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ અમારા નિવાસસ્થાન પર EDના દરોડા પાડવામાં આવશે અને પછી અમને કસ્ટડીમાં લેવામાં આવશે. ભાજપ હવે આમ આદમી પાર્ટીના નેતાઓની બીજી હરોળને નિશાન બનાવી રહ્યું છે.”
આતિશીએ કહ્યુ કે “મને ભાજપમાં જોડવા માટે વ્યક્તિગત રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો. મને કહેવામાં આવ્યું છે કે કાં તો હું ભાજપમાં જોડાઈ જઉં અને મારી રાજકીય કારકિર્દી બચાવી લઉં અથવા આગામી એક મહિનામાં મારી ધરપકડ થશે. મારી ખૂબ નજીકની વ્યક્તિએ મને જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક AAP નેતાને જેલમાં ધકેલી દેવાનું નક્કી કર્યુ છે. સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સંજય સિંહ બાદ તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. પરંતુ હવે તેઓ અન્ય ચાર ટોચના નેતાઓની ધરપકડ કરવા માગે છે – હું, રાઘવ ચઢ્ઢા, દુર્ગેશ પાઠક અને સૌરભ ભારદ્વાજ.”
તેમણે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ભાજપને હતું કે AAP પડી ભાંગશે પરંતુ રવિવારે રામલીલા મેદાનમાં વિરોધ પક્ષોને એકઠા થતા જોઈને તેઓ ડરી ગયા છે. તેથી હવે તેઓ AAP નેતૃત્વની બીજીની હરોળને લક્ષ્ય બનાવવા માંગે છે.
આતિશીએ કહ્યું કે મારા પર અને મારા સંબંધીઓ પર દરોડા પાડવામાં આવશે. પછી અમને સમન્સ પાઠવવામાં આવશે અને પછી અમને જેલમાં ધકેલી દેવામાં આવશે. પરંતુ હું ભાજપને કહેવા માંગુ છું કે અમે ડરવાના નથી. અમને બધાને જેલમાં નાખો, તો પણ અમે અમારા અંતિમ શ્વાસ સુધી અરવિંદ કેજરીવાલની સાથે ઉભા રહીશું. અમને જેલમાં પુરશો તો અન્ય 10 લોકો અરવિંદ કેજરીવાલની લડાઈમાં જોડાશે.
EDએ કોર્ટમાં આતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ લીધાના એક દિવસ પછી આતિશીના આ દાવાઓ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 1 એપ્રિલે 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. AAPએ જણાવ્યું હતું કે કેજરીવાલ મુખ્ય પ્રધાન રહેશે અને તિહાર જેલમાંથી જ સરકાર ચલાવશે.