‘થોડી પણ શરમ હોય તો રાજ્યસભામાંથી રાજીનામું આપો’ AAP નેતાએ સ્વાતિ માલીવાલનું રાજુનામું માંગ્યું
દિલ્હી: અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના રાજીનામાં બાદ આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકે કાલકાજી વિસ્તારના વિધાનસભ્ય આતિશી(Atishi Marlena)ની પસંદગી કરી છે. AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આતિશીને મુખ્ય પ્રધાન બનાવવા બદલ પાર્ટીની ટીકા કરી હતી. AAPના વિધાનસભ્યએ સ્વાતિ માલીવાલના રાજીનામાની માંગ કરી અને તેમના પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના એજન્ડા પર કામ કરવાનો આરોપ લગાવ્યો.
ગઈ કાલે મંગળવારે સ્વાતિ માલીવાલે આતિશીને “ડમી સીએમ” ગણાવ્યા અને આતિશીનું મુખ્ય પ્રધાન બનવું દિલ્હી માટે “દુઃખદ” હોવાનું કહ્યું. સ્વાતિએ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પણ ખુલ્લેઆમ ટીકા કરી હતી. સ્વાતિએ એ કહ્યું કે આતીશીના માતાપિતાએ આતંકવાદી અફઝલ ગુરુ માટે દયાની માંગ કરી હતી અને કહ્યું હતું કે ‘ભગવાન દિલ્હીની રક્ષા કરે. દિલ્હી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે.’
વરિષ્ઠ AAP નેતા દિલીપ પાંડેએ સ્વાતિ માલીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી અને તેમના પર ભાજપના એજન્ડા મુજબ કામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે રાજ્યસભામાંથી તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.
દિલીપ પાંડેએ કહ્યું કે “એક વાત સમજો. સ્વાતિ માલીવાલ એક એવી વ્યક્તિ છે જે AAPમાંથી રાજ્યસભાની ટિકિટ લે છે પરંતુ પ્રતિક્રિયા આપવા માટે ભાજપ તરફથી સ્ક્રિપ્ટ લે છે. જો તેમને થોડી પણ શરમ હોય તો તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપીને ભાજપની ટિકિટ પર રાજ્યસભા જવું જોઈએ. જો એ રાજ્યસભામાં રહેવા માંગે છે, તો તેણે ભાજપમાંથી ટિકિટ મેળવવી જોઈએ.”
સ્વાતિ માલીવાલે કેજરીવાલના નજીકના સાથી બિભવ કુમાર પર સીએમના આવાસમાં તેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો ત્યાર બાદ AAP અને સ્વાતિના સંબંધો વણસી ગયા હતાં.