નવી દિલ્હી: આગામી વર્ષે યોજાનાર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના (AAP)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejariwal) દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ (congress) સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે આપ દિલ્હીમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરે અને એકલા હાથે ચૂંટણી લડશે. આ પહેલા કોંગ્રેસે પણ રાજધાનીમાં ગઠબંધનની વાતનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
આ પણ વાંચો : Arvind Kejriwal ને સળગાવીને મારવાનો પ્રયાસ, આપ નેતા સૌરભ ભારદ્વાજનો મોટો આક્ષેપ…
‘દિલ્હીમાં ગઠબંધન નહીં થાય’
અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથેની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. હકીકતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે અરવિંદ કેજરીવાલને પૂછ્યું હતું કે શું દિલ્હીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થશે. જેના જવાબમાં કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં ગઠબંધન નહીં થાય.
લોકસભામાં કોંગ્રેસને આપથી નુકસાન?
આ અગાઉ પણ કોંગ્રેસે દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી દીધી છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે શુક્રવારે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની કોઈપણ શક્યતાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે અને પાર્ટીએ સંભવિત ઉમેદવારો પર પ્રતિક્રિયા લેવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું, ‘જો કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં AAP સાથે ગઠબંધન ન કર્યું હોત, તો અમે વધુ સારું પ્રદર્શન કર્યું હોત અને એક કે બે બેઠકો પણ જીતી શક્યા હોત.
આ પણ વાંચો : Breaking: AAP ના ધારાસભ્ય નરેશ બાલિયાનની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ…
આપને જીતનો છે વિશ્વાસ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે કે જનતા ત્રીજી વખત સત્તાની દોર તેના હાથમાં સોંપશે. આ માટે પાર્ટીએ અત્યારથી જ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ ઉપરાંત કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.