સંજયસિંહ સામેના પુરાવા જાહેર કરવા ‘આપ’નો કેન્દ્રને પડકાર
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)એ ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર અમારા સાંસદ સંજય સિંહની ધરપકડ કરીને તેમને ‘ચૂપ કરાવવાની’ કોશિશ કરી રહ્યું છે. અમે ભાજપ દ્વારા શાસિત કેન્દ્ર સરકારને સંજય સિંહ સામેના પુરાવા જાહેર કરવા પડકાર ફેંકીએ છીએ.
દિલ્હીની ૨૦૨૧-૨૦૨૨ની એક્સાઇઝ પૉલિસી (આબકારી જકાતને લગતી નીતિ)ના કેસ સાથે સંકડાયેલી કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિના સંબંધમાં એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા સંજય સિંહની બુધવારે ધરપકડ કરાઇ હતી.
આમ આદમી પાર્ટીનાં નેતા આતિશીએ અહીં પત્રકાર પરિષદને સંબોધતા દાવો કર્યો હતો કે ઇડી અને સીબીઆઇએ છેલ્લાં ૧૫ મહિનામાં અમારા પક્ષના નેતાઓની અંદાજે પાંચસો ઑફિસ પર દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓની સામે કોઇ પુરાવા નહોતા મળ્યા.
તેમણે જણાવ્યું હતું કે ઇડી અને સીબીઆઇએ મનીષ સિસોદિયાના નિવાસસ્થાન, ઑફિસ અને અન્ય કેટલાક સ્થળે દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓની સામે એક પૈસાના ભ્રષ્ટાચારના પણ કોઇ પુરાવા નહોતા મળ્યા. હવે તેઓએ સંજય સિંહ પર આરોપ મૂકીને તેમને પકડ્યા છે. હું ભાજપને સંજય સિંહ સામેના પુરાવા જાહેર કરવાનો પડકાર ફેંકું છું. તેમણે જણાવ્યું હતું કે સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકોનો અવાજ દબાવી દેવા પ્રયાસ કરાય છે. તેઓએ પુરાવા જાહેર કરવા જોઇએ અથવા રાજકારણ છોડી દેવું જોઇએ.
આમ આદમી પાર્ટીને અન્ય નેતા ગોપાલ રાયે પત્રકારોને જણાવ્યું હતું કે અમે સંજય સિંહના ઘેર ગયા હતા, જ્યારે તેમના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે ઇડીને સાંસદની વિરુદ્ધ કોઇ પુરાવા નહોતા મળ્યા. (એજન્સી)