સુનીતા કેજરીવાલના રોડ શોમાં ભાવુક થયા AAP ઉમેદવાર મહાબલ મિશ્રા, Video વાયરલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ આપના ઉમેદવારો માટે ધુંઆધાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓ હાલ જેલમાં બંધ છે ત્યારે સુનીતા કેજરીવાલ AAPના ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે.
સુનીતા કેજરીવાલે આજે રવિવારે પશ્ચિમ દિલ્હીથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર મહાબલ મિશ્રા (AAP)ના સમર્થનમાં તિલક નગરમાં રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન સુનિતા કેજરીવાલ કારની રૂફટોપ વિન્ડોથી લોકોનું અભિવાદન કરી રહી હતી અને મહાબલ મિશ્રા કારની છત પર તેમની પાછળ પલાઠી વાળીને બેઠા હતા.
જો કે આ દરમિયાન મહાબલ મિશ્રા ભાવુક થઈ ગયા અને આચાનક જ રડવા લાગતા માહોલ ગમગીન બન્યો હતો. મહાબલ મિશ્રા ભાવુક થયા તેનો વીડિયો પણ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન હેઠળ આ સીટ AAPના ખાતામાં ગઈ છે.
સુનિતા કેજરીવાલે જનતાને સંબોધતા કહ્યું કે, ‘તમારા મુખ્યમંત્રી સિંહ છે અને તેઓ કોઈથી ડરતા નથી.’ રોડ શો દરમિયાન મહાબલ મિશ્રાની આંખો ભીની થઈ ગઈ હતી. જ્યારે સુનીતા કેજરીવાલે તેમના ભાષણ દરમિયાન મહાબલ મિશ્રાનો પરિચય કરાવ્યો તો તેઓ રડવા લાગ્યા હતા.
સુનીતા કેજરીવાલે કહ્યું, ‘તમારી પાસે અમારા સિનિયર નેતા મહાબલ મિશ્રા છે. તે પહેલા પણ અહીંથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ તમારા સુખ-દુઃખમાં ઉભા રહે છે, તેમણે ઘણું કામ કર્યું છે, તમે બધા તેમને મત આપજો’
AAPએ દિલ્હીમાં કોંગ્રેસ સાથે 4-3 બેઠકોની વહેંચણી અંગે સમજુતી કરી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની અન્ય બે બેઠકો નવી દિલ્હી સીટથી સોમનાથ ભારતી અને દક્ષિણ દિલ્હીથી સહિરામ પહેલવાનને પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે .