દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: 13 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં, સાથે કરી નવી પાર્ટીની જાહેરાત

દિલ્હી: દિલ્હીમાં (Delhi) રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખ્યા બાદ હવે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માટે જાણે કપરા દિવસો હોય તેમ આપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી દીધું છે અને તમામ લોકોએ નવી પાર્ટી બનાવવાની જાહેરાત પણ કરી છે. કોર્પોરેટરોએ રાજીનામું આપતા આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર નગર નિગમને યોગ્ય રીતે ચલાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, જનતા સાથે કરેલા વાયદા પૂરા ન કરી શકવાના કારણે તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.

રાજીનામું આપનારા કોર્પોરેટરો બનાવશે નવી પાર્ટી
રાજીનામું આપનારા કોર્પોરેટરોએ નવી પાર્ટીની જાહેરાત પણ કરી છે. નવી પાર્ટીની જાહેરાત કરતા જણાવ્યું હતું કે પાર્ટીનું નામ ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી (Indraprastha Vikas Party) હશે અને મુકેશ ગોયલની પાર્ટીના વડા તરીકે પસંદગી કરવામાં આવી છે. કોર્પોરેટરોએ જણાવ્યું કે અમે તમામ કોર્પોરેટરો વર્ષ 2022માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા, પરંતુ 2022માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં આવ્યા બાદ પણ પાર્ટીનું ટોચનું નેતૃત્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને યોગ્ય રીતે ચલાવવામાં નિષ્ફળ રહ્યું હતું. જનતાને આપેલ વચનો પૂર્ણ ન કરી શકવાના કારણે તેઓએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભાજપમાં જોડાવવાની અટકળોને આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ ગણાવી અફવા…
કોણ છે રાજીનામું આપનારા 13 કોર્પોરેટરો?
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા 13 કોર્પોરેટરોમાં મુકેશ ગોયલ, હિમાની જૈન, દેવેન્દ્ર કુમાર, રાજેશ કુમાર લાડી, સુમન અનિલ રાણા અને દિનેશ ભારદ્વાજનો સમાવેશ થાય છે. આ સાથે જ નવી પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે અને તે અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અમે તમામ કોર્પોરેટરો મુકેશ ગોયલને અમારા પક્ષના નેતા તરીકે સ્વીકારીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે આજે હેમવંદ ગોયલજીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં 13 કોર્પોરેટરોએ મુકેશ ગોયલજીને ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના નેતા તરીકે પસંદ કર્યા હતા.
રાજીનામાં અંગે શું કહ્યું હિમાની જૈને?
રાજીનામું આપનારા કોર્પોરેટર હિમાની જૈને રાજીનામાં અંગે વાત કરતાં કહ્યું કે, અમે ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામની નવી પાર્ટી બનાવી છે. અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા અઢી વર્ષમાં કોર્પોરેશનમાં થવું જોઈએ તેવું કોઈ કામ થયું નથી. અમે સત્તામાં હતા, તેમ છતાં અમે કંઈ કર્યું નથી. અમે નવી પાર્ટી બનાવી છે કારણ કે અમારી વિચારધારા દિલ્હીના વિકાસ માટે કામ કરવાની છે. અમે એ પાર્ટીને સમર્થન આપીશું જે દિલ્હીના વિકાસ માટે કામ કરશે. અત્યાર સુધીમાં 15 કોર્પોરેટરોએ રાજીનામું આપી દીધું છે અને અન્ય પણ સામેલ થઈ શકે છે.