આધાર કાર્ડ અપડેટ, પાંચ વર્ષ સુધીના સાત કરોડ બાળકોના બાયોમેટ્રિક અપડેટ શાળામાં કરાશે…

નવી દિલ્હી : યુઆઈડીએઆઈએ(UIDAI)આધાર કાર્ડ સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. જેમાં હવે દેશભરની શાળાઓમાં બાળકના આધાર કાર્ડના બાયોમેટ્રિક અપડેટ શરુ કરવામાં આવશે. આ પ્રક્રિયા આગામી બે મહિના સુધી તબક્કાવાર રીતે કરવામાં આવશે. આ અંગે યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમારે જણાવ્યું કે, અત્યાર સુધી પાંચ વર્ષ પાર કરી ચુકેલા 7 કરોડ બાળકોના બાયોમેટ્રિક અપડેટ નથી થયા. જે અપડેટ કરવા ખુબ જ જરૂરી છે.
પાંચ વર્ષની ઉંમર બાદ બાયોમેટ્રિકસ અપડેટ ફરજીયાત
બાળકોના બાયોમેટ્રિકસ અપડેટ કરવા પાછળનું કારણ પણ પ્રકાશમાં આવ્યું છે. જેમાં પાંચ વર્ષની ઓછી ઉંમરના બાળકોના આધાર કાર્ડમાં તેમની આંગળીઓ આંખની કીકીના બાયોમેટ્રિકસ લેવામાં આવતા નથી. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર કાર્ડમાં તેમનું નામ, જન્મ તારીખ, લિંગ, એડ્રેસ જ લેવામાં આવે છે. આ ઉપરાંત બાળક પાંચ વર્ષની ઉંમર પાર કરે તેની બાદ તેમની આંગળીઓ આંખની કીકીના બાયોમેટ્રિકસ અપડેટ કરાવવા ફરજીયાત છે. આ બાયોમેટ્રિકસ અપડેટ કરાવવાનો પ્રથમ અવસર હોય છે.
બાળકનો આધાર કાર્ડ નંબર નિષ્ક્રિય થઈ જશે
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ ધરાવતા અને સાત વર્ષ પૂર્ણ કરી ચુકેલા બાળકો માટે બાયોમેટ્રિક્સ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તેમજ જો આ અપડેટ કરવામાં નહી આવે તો બાળકનો આધાર કાર્ડ નંબર નિષ્ક્રિય થઈ જશે. આ અંગે યુઆઈડીએઆઈએ નવા નિયમો અંગે બાળકોના આધાર સાથે નોંધાયેલા નંબર પર મેસેજ મોકલવાની શરુઆત પણ કરી છે.
આધાર કાર્ડ સાથે જોડાયેલા લાભ લેવામાં મુશ્કેલી
યુઆઈડીએઆઈએ કહ્યું છે કે નવા નિયમો મુજબ બાળકોના બાયોમેટ્રિકસ ડેટાની વિશ્વસનિયતા જાળવવા માટે આ અપડેટ જરૂરી છે. જો સાત વર્ષની ઉંમર બાદ પણ બાયોમેટ્રિકસ અપડેટ કરવામાં નહી આવે તો આવા આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવશે. આ અંગે યુઆઈડીએઆઈ અધિકારીએ જણાવ્યું કે જેના લીધે આધાર કાર્ડ સાથે જોડાયેલા લાભ લેવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.