સાવધાન! ઑનલાઈન રોકાણમાં નફો નકલી: સિહોરના યુવક સાથે ₹૪૭.૫૬ લાખની છેતરપિંડીનો બનાવ

સિહોર: ઓનલાઈન ફ્રોડનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. ભાવનગરના સિહોરમાં શેરબજારમાં રોકાણ કરી વધુ વળતરની લાલચ આપીને રોકાણ સાથે સંકળાયેલી એપ્લિકેશનમાં રોકાણ કરાવી રૂ. 47.56 લાખનું સાયબર ફ્રોડ આચર્યું હોવાની ફરિયાદ ભાવનગર સાઇબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના સિહોરના રહેવાસી સાગરભાઈ અશોકભાઈ મલુકાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ શિહોરમાં રહે છે અને ખાનગી નોકરી કરે છે. કોઈ અજાણ્યા આરોપીએ અશોકભાઈને શેરબજારમાં અને આઈપીઓમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી. તેમના માટે એક મોબાઇલ એપ્લિકેશન આઈડી બનાવવામાં આવી હતી, જ્યાં સ્ક્રીન પર તેમનું રોકાણ વધતું દેખાતું હતું, જેનાથી તેમને નફાની છાપ ઊભી થઈ હતી. આશરે અઢી મહિનાના સમયગાળા દરમિયાન, તેમણે આરોપીની સૂચના મુજબ સાત બેંક ખાતાઓમાં ₹૪૭.૫૬ લાખ ટ્રાન્સફર કર્યા હતા.
આરોપીએ તેમને વિશ્વાસમાં લઈને સીડબલ્યુએ ઍપ્લિકેશનમાં યુઝર આઈડી બનાવી હતી અને હજુ પણ વધુ પ્રોફિટની લાલચ આપીને યુઝર આઈડીમાં પ્રોફિટ થયું છે તેમ બતાવીને તે પ્રોફિટ મેળવવા માટે ટેક્સ પેટે રૂ. 47,56,344ને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં મેળવી લીધા હતા. અંતે ફરિયાદીને તેની સાથે ફ્રોડ થયું હોવાનું ખ્યાલ આવતા અંતે ભાવનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨) અને IT એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો…સુરતની હીરા કંપનીએ 50 કરોડની છેતરપિંડી કરી, પિતા-પુત્ર ગાયબ!