સરયૂ નદીના કિનારે સર્જાયો ‘વિશ્ર્વ વિક્રમ’

દીપોત્સવ: અયોધ્યામાં ‘રામ કી પૌડી’ ખાતે અંદાજે ૨૨.૨૩ લાખ દીપ પ્રગટાવીને નવો વિશ્ર્વ વિક્રમ કરાયો હતો. (પીટીઆઇ)
અયોધ્યા ૨૨.૨૩ લાખ દીવાથી ઝગમગ: સરયૂના કાંઠે ૫૧ ઘાટ પર દીપોત્સવ
અયોધ્યા: અહીં સરયૂ નદીના કાંઠે ૫૧ ઘાટ પર ૨૨.૨૩ લાખ દીવા કરવામાં આવતા આખું અયોધ્યા ઝગમગી ઊઠ્યું હતું. નદીના અનેક ઘાટ પર દીપોત્સવ વખતે પુષ્પવર્ષા કરાઇ હતી અને લાઇટ અને સાઉન્ડ શો યોજાયો હતો.
‘પુષ્પક વિમાન’માંથી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવતા લોકોને રામકથા પાર્કમાં ઉતારવામાં આવ્યા હતા. તેઓની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. તેઓએ ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના રથને પણ ખેંચ્યો હતો.
‘રામ કી પૌડી’ ખાતે બેસાડાયેલા વિશાળ સ્ક્રીન પર રામાયણને આધારિત વિવિધ ઘટનાને દર્શાવતો લાઇટ અને સાઉન્ડ શો યોજાયો હતો.
દેશ-વિદેશથી આવેલા હજારો લોકોની સાથે આશરે પચાસ દેશના રાજદૂતોએ અયોધ્યામાંના આ દીપોત્સવને માણ્યો હતો. પચીસ હજાર જેટલા સ્વયંસેવકોની મદદથી આ દીવા પ્રગટાવાયા હતા.
રામનગરીમાં ભગવાન રામના જન્મથી રાજ્યાભિષેક સુધીની સફર દર્શાવતી ૧૯ ઝાંખી રજૂ કરાઇ હતી.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અયોધ્યામાં ૨૦૧૭થી સરયૂ નદીના કાંઠે શરૂ કરાયેલી દીપોત્સવની પરંપરા આજે પણ જાળવી રખાઇ છે.
સરયૂ નદીના ૫૧ ઘાટ પર ૨૪ લાખ દીવા કરવા માટે એક લાખ લિટરથી વધુ તેલનો ઉપયોગ કરાયો હોવાનું કહેવાય છે.
ગયા વર્ષે સરયૂ નદીના કાંઠે ૧૫.૭૬ લાખ દીવા પ્રગટાવીને વિશ્ર્વ વિક્રમ કરાયો હતો.
રામજન્મભૂમિ અયોધ્યામાં ૨૦૨૪ના જાન્યુઆરીમાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમો હોવાથી તેને લગતી મોટા પાયે તૈયારી ચાલી રહી છે.
પવિત્રનગરીમાં અનેક સ્થળે રામધૂન અને ભજન-કીર્તન થઇ રહ્યા છે. દેશભરના લોકોને ૨૨ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે સ્થાનિક મંદિરોમાં જઇને ‘જય શ્રી રામ’ના નારા લગાવવાની અને રામધૂન કરવાની વિનંતિ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા કરાઇ છે. આ ઉપરાંત, તે દિવસે સાંજે સૂર્યાસ્ત પછી દરેક ઘરે દીવા પ્રગટાવવા આહ્વાન પણ કરાયું છે.
રામલલાના મંદિરમાંના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રના અનેક પ્રધાન સહિતના દેશના અનેક મહાનુભાવો હાજર રહેવાના છે. (એજન્સી)