
જેસલમેરઃ જેસલમેરની એક મહિલાએ અહીંની ઉમેદ સરકારી હોસ્પિટલમાં ચાર નવજાત બાળકોને જન્મ આપ્યો છે. આ ચાર નવજાત બાળકોમાંથી બે છોકરીઓ અને બે છોકરાઓ છે. મહિલાનું નામ તુલછા અને તેના પતિનું નામ ચંદ્ર સિંહ હોવાનું જાણવા મળ્યું છે. ખૂબ જ જવલ્લે બનતું હોય છે કે એક માતા એક સાથે ચાર બાળકને જન્મ આપે.
નવજાતને જન્મ આપનાર મહિલા જેસલમેરની રહેવાસી છે. તુલછાએ જેસલમેરની સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી કે તે ચાર બાળકની માતા બનવાની છે. ત્યારથી તેને જોધપુરની ઉમેદ સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યારે મહિલાને પ્રસૂતિની પીડા થઈ, ત્યારે તેને 6 મેના રોજ જોધપુરની ઉમેદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, તેણે ચાર સ્વસ્થ નવજાત બાળકોને જન્મ આપ્યો, જેમાંથી બે છોકરાઓ અને બે છોકરીઓ છે.
હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર માતા અને બાળકોની તબિયત સામાન્ય હોવાનું કહેવાય છે. ડોકટરોની દેખરેખ હેઠળ તેની સંપૂર્ણ સંભાળ રાખવામાં આવી રહી છે અને મહિલાને પ્રસુતિ પછી કોઈ સમસ્યા નથી. સિઝેરિયન દ્વારા મહિલાની ડિલિવરી થઈ છે. એક સાથે ચાર બાળકોને જન્મ આપનાર તુલછાએ હોસ્પિટલ પ્રશાસનનો આભાર માન્યો અને તેની તબિયત સામાન્ય હોવાનું પણ જાહેર કર્યું. મહિલાના પતિ ચંદ્ર સિંહે કહ્યું કે તેમને હોસ્પિટલ પ્રશાસન તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
ઉમેદ હોસ્પિટલના નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે આ મહિલા ફેબ્રુઆરીથી અહીં સારવાર લઈ રહી હતી. 1 મેના રોજ તેને અહીં દાખલ કરવામાં આવી હતી, આજે 6 મેના રોજ સિઝેરિયન દ્વારા મહિલાની ડિલિવરી થઈ હતી. આ મહિલાને ચાર બાળકો છે અને તમામ સ્વસ્થ છે.