રંગીન મિજાજ પતિને પકડવાનો ટેકનોસેવી પત્નીનો અજબ નુસ્ખો

ગ્વાલિયરઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ બેધારી તલવાર જેવો છે. કેટલાક લોકો વિવિધ પ્લેટફોર્મ પર તેમની અસલી ઓળખ છુપાવીને બીજા લોકોને છેતરતા હોય છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રંગીન મિજાજ ધરાવતાં પતિને રંગે હાથ પકડવા પત્નીએ એવી યુકિત અપનાવી કે વાંચીને તમે પણ ચોંકી જશો.
શું છે સમગ્ર મામલો
ગ્વાલિયરમાં રહેતો પુરુષ રંગીન મિજાજનો હતો. તેને નવી નવી મહિલાઓ સાથે ફ્લર્ટ અને અફેર કરવાનો શોખ હતો. આ વાત તેની પત્નીને ખબર પડતાં તેણે અનેક વખત પતિને સમજાવ્યો હતો. તેમ છતાં માન્યો નહોતો. એક દિવસ પત્નીએ પતિને સુધારવા માટે રંગે હાથ પકડવાનું નક્કી કર્યું.
ગ્વાલિયરમાં રેહતી એક પરિણીતાને તેનો પતિ છુપાઈને બીજી મહિલાઓ સાથે વાત કરતો હોવાની શંકા હતી. જેથી તેણે તેના પતિ પર નજર રાખતાં શંકા સાચી નીકળી હતી. તેણે પતિને આ અંગે જણાવ્યું તો આરોપો ખોટા હોવાનું કહીને ફટકારી હતી. જે બાદ પત્નીએ હાર ન માની અને પતિનો અસલી ચહેરો સામે લાવવાનું નક્કી કર્યું હતું. તેણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું અને તેના દ્વારા પતિને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી. અજાણી મહિલા તરફથી ફ્રેન્ડ રિકવેસ્ટ મળતાં પતિએ તરત સ્વીકારી લીધું હતું.
આ પણ વાંચો…હોળીના દિવસે વહેલી સવારે આ બે રાજ્યોમાં ભૂકંપના આંચકા…
પત્નીએ તમામ પુરાવા એકત્ર કરીને તેને રંગે હાથ પકડવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે પતિને ફોન કરીને હોટલમાં મળવા બોલાવ્યો હતો. સોશિયલ મીડિયા ફ્રેન્ડનું આમંત્રણ મળતા જ રંગીન મિજાજ ધરાવતો પતિ હોટલ પહોંચ્યો હતો. તેણે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે બેડ પર બેઠેલી તેની પત્નીને જોઈને હોશ ઉડી ગયા હતા. રંગેહાથ પકડાયા બાદ પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાના પતિને બોલાવ્યો ત્યારે તેણે આરોપ ખોટા હોવાનું કહ્યું હતું. પરંતુ મહિલાએ તેના પતિના તમામ પુરાવા પોલીસને આપ્યા હતા. પોલીસે તેને લોકઅપમાં ધકેલવાની તૈયારી કરી ત્યારે તે ફફડી ઉઠ્યો હતો અને પત્નીની માફી માંગી હતી. તેમજ જીવનમાં ક્યારેય આવી હરકત નહીં કરે તેવી કસમ ખાધી હતી. આ મુદ્દો ગ્વાલિયરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.