નેશનલ

ઈન્ડિગો એરલાઈન્સે લાંચ આપવાની કોશિશ કરી! હેરાન થયેલા પેસેન્જરે લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: ભારતનું એવિએશન સેક્ટર છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં રહે છે. એવામાં તાજેતરમાં દેશની અગ્રણી એરલાઈન્સ ઈન્ડીગો પર ગંભીર આરોપ (Bribery accusation on Indigo Airlines) લગાવવામાં આવ્યા છે. એક યુટ્યુબ પોડકાસ્ટર અને એન્ટરપ્રેન્યોરે ઇન્ડિગો એરલાઈન્સ સામે સોશિયલ પર એક પોસ્ટ કરી હતી. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડીગો એરલાઈન્સે પોસ્ટ ડિલીટ કરવા એન્ટરપ્રેન્યોરને રૂપિયા ઓફર કર્યા હતાં

પોડકાસ્ટર અને એન્ટરપ્રેન્યોર પ્રખર ગુપ્તાએ X પર ફ્લાઇટના સમયમાં ફેરફાર અંગે ફરિયાદ કરતી પોસ્ટ લખી હતી, જે વાયરલ થઇ હતી. પ્રખરે લખ્યું હતું કે એરલાઇન્સ દ્વારા વહેલી સવારની ફ્લાઇટ પ્રીપોન કરવામાં આવી હતી અને તેમને આ ફેરફાર વિશે માત્ર 2.5 કલાક અગાઉ જ જાણ કરવામાં આવી હતી.

એરલાઈન્સની મનમાની!
પ્રખરે X પરની પોસ્ટમાં લખ્યું, “તમે ફ્લાઇટનો સમય કેવી રીતે બદલી શકો છો અને સવારે 4 વાગ્યાની ફ્લાઇટ 2.5 કલાક વહેલી કેવી રીતે કરી શકો? હું સમયસર પહોંચું એવી અપેક્ષા રાખવામાં આવે છે અને પછી જ્યારે હું નવા સમય કરતાં 5 મિનિટ મોડો પહોંચું છું, ત્યારે મને કહેવામાં આવે છે કે તમે મારું બેગ ચેક-ઇન કરવા દેતા નથી અને મારે નવી ફ્લાઇટ માટે વધારાના પૈસા ચૂકવવા પડે છે.”

પ્રખરે વધુમાં લખ્યું કે તેમને આ ફેરફાર વિશે જાણ કરતો કોઈ ઈમેલ મળ્યો નથી અને તેમને સવારે 4 વાગ્યે એરલાઈન તરફથી એક ટેક્સ્ટ મેસેજ મળ્યો. તેમણે કહ્યું, “ફ્લાઇટ પ્રોવાઈડર વળતર આપ્યા વિના લોકોના સમય અને જીવન સાથે મનસ્વી રીતે રમત ન રમી શકે. આ કોઈપણ વાજબી સેવાની શરતોનું ઉલ્લંઘન છે.”

મુસાફરોની સમસ્યાની અવગણના!
તેમણે એમ પણ કહ્યું કે ઇન્ડિગોના સ્ટાફે તેમની સાથે અને અન્ય એક મુસાફર સાથે અસભ્ય વર્તન કર્યું. તેમણે કહ્યું “તેઓ (એરલાઈન સ્ટાફ) અનપ્રોફેશનલ પણ હતા, સ્પીકર ફોન પર એકબીજાને ખૂબ જ અભદ્ર પર્સનલ વૉઇસ મેસેજ મોકલી રહ્યા હતાં અને જ્યારે અમે અમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેઓ હસતા હતા.”

ઈન્ડીગોએ જવાબ આપ્યો:
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને થોડી જ વારમાં તેને 1.3 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. ઇન્ડિગોએ પણ આનો જવાબ આપ્યો. એરલાઇનના એક પ્રતિનિધિએ લખ્યું, “મિસ્ટર ગુપ્તા, અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને આ સમસ્યાના ઉકેલ માટે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું.”

લાંચ આપવાનો પ્રયાસ:
પ્રખરે તરત જ જવાબ આપીને ગંભીર આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે એરલાઈને પોસ્ટ દૂર કરવા માટે “મને 6000 રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો. કોઈ લેખિત કે મૌખિક માફી માંગવામાં આવી નથી. જોકે, એ કહેવું યોગ્ય છે કે સોશિયલ મીડિયાનું પ્રેશર કામ કરે છે. દેખીતી રીતે ઇન્ડિગો હવે આમાં સામેલ છે, પરંતુ તેનાથી કોઈ મદદ નથી મળી.”

એરલાઈનની સ્પષ્ટતા:
આ સમગ્ર મામલે, ઇન્ડિગો કંપનીએ એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું જેમાં લખવામાં આવ્યું હતું કે ફ્લાઇટના સમયમાં ફેરફાર પ્રજાસત્તાક દિવસ માટે સુરક્ષા પગલાંને કારણે કરવામાં આવ્યો હતો અને તમામ મુસાફરોને તેના વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી.

ઈન્ડીગોએ લખ્યું, “આ શેડ્યુલ લાગુ થયા પછી અમે મુસાફરોને તાત્કાલિક જાણ કરી હતી. અમારી ટીમોએ નવા સમય પછી પહોંચેલા મુસાફરોને મદદ કરવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. એક કિસ્સામાં, ફ્લાઇટ મોડી પડી હતી. એક કિસ્સામાં, બોર્ડીંગ ટાઈમ પછી પહોંચેલા મુસાફરને ઓછામાં ઓછી ફી પર ઓપ્શનલ ફ્લાઇટનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button