અખબારની જાહેરખબર હેડલાઇન જેવી લાગવી ન જોઇએ: પીસીઆઇ
નવી દિલ્હી: પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (પીસીઆઇ)એ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે (સમાચારની) હેડલાઇન (મથાળું) લાગતી જાહેરખબર પ્રસિદ્ધ કરનારા અનેક અખબારના તંત્રીઓને કારણદર્શક નોટિસ પાઠવી હતી.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનું મતદાન પચીસ નવેમ્બરે યોજાવાનું છે અને રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશ, તેલંગણા, મિઝોરમ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.
પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ શુક્રવારે વર્તમાનપત્રોને નોટિસ આપતા જણાવ્યું હતું કે પીસીઆઇનાં અધ્યક્ષા જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઇએ ૨૦ નવેમ્બરે અખબારોમાં પ્રસિદ્ધ થયેલી આવી જાહેરખબરોની જાતે જ નોંધ લઇને નોટિસ પાઠવવાનો નિર્ણય લીધોે હતો.
તેણે નિવેદનમાં જણાવ્યું હતું કે આ છાપાંમાં પ્રસિદ્ધ થયેલી જાહેરખબર અખબારના માસ્ટહેડ (પહેલા પાને ન્યૂસપેપરના નામ)ની નીચે (સમાચારનું) મથાળું લાગે એ રીતે છપાઇ હતી અને તેને લીધે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અને અન્ય કાયદાનો ભંગ થાય છે. આ બધા અખબારના સંપાદકોને કારણદર્શક નોટિસ પાઠવીને તેઓની પાસે જવાબ માગવામાં આવ્યો છે. (એજન્સી)ઉ