સ્વદેશી વિનાશિકા તરતી મુકાશે
નવી દિલ્હી : દેશી બનાવટની વિનાશિકા આઈએનએસ ઈમ્ફાલ મંગળવારે તરતી મુકાતાં તે ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ થશે. આ અત્યાધુનિક ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે જે બ્રહ્મોસ સર્ફેસ ટુ સર્ફેસ મિસાઈલથી સજ્જ હશે અને આના નૌકાદળના કાફલામાં સામેલ થવાથી હિન્દી મહાસાગરમાં ચીનના વધતા પ્રભુત્વ મધ્યે ભારતની નૌકાદળની તાકાત વધશે.
આ પહેલું એવું યુદ્ધજહાજ છે જેને ઈશાનભારતના શહેરનું નામ અપાયું છે. આ માટેની મંજૂરી રાષ્ટ્રપતિએ એપ્રિલ ૨૦૧૯માં આપી હતી.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં મુંબઈના નેવલ ડોકયાર્ડમાં એક સમારોહમાં તેને કાફલામાં સામેલ કરાશે. અધિકારીઓએ કહ્યું હતું કે મણિપુરની રાજધાનીનું નામ આ વિનાશિકાને આપીને ભારતે રાષ્ટ્રીય સુરક્ષા અને સમૃદ્ધિમાં ઈશાનભારતનું મહત્ત્વ રેખાંકિત કર્યું હતું.
આ વિનાશિકાનું ડિસપ્લેસમેન્ટ ૭૪૦૦ ટન છે અને એકંદર લંબાઈ ૧૬૪ મીટર છે. એ આધુનિક હથિયાર અને સેન્સર જેવા કે સર્ફેસ ટુ સર્ફેસ મિસાઈલ અને જહાજવિરોધી મિસાઈલ અને ટોર્પીડો (વહાણને ઉડાવી દવાનું સિગરના આકારનું સ્ફોટક અસ્ત્ર)થી સજ્જ છે.
આ જહાજ કમ્બાઈન્ડ ગૅસ ઍન્ડ ગૅસ પોપ્યુલન્સથી ચાલે છે. તે ૩૦ નોટ્સ (એક કલાક દિઠ ૫૬ કિલોમીટર)ની ઝડપે ચાલી શકે છે. જહાજમાં ૭૫ ટકા સામગ્રી દેશી બનાવટની છે જેમાં બ્રહ્મોસ મિસાઈલનો પણ સમાવેશ થાય છે.
બંદર અને સમુદ્રમાં પરીક્ષણ બાદ ૨૦ ઓક્ટોબરે તે ભારતીય નૌકાદળને સોંપાઈ હતી. જહાજે ગયા મહિને સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ સફળતાપૂર્વક છોડી હતી. કોઈ પણ દેશી બનાવટના જહાજે આમ પહેલી વાર કર્યું છે. મઝગાંવ ડોક લિમિટેડ, મુંબઈએ આનું બાંધકામ કર્યું છે. નૌકાદળને આ વિનાશિકા મળ્યા બાદ ચાર વિનાશિકા થઈ જશે. (એજન્સી)