નેશનલ

ભારતની રેકૉર્ડ-બ્રેક ૪૩૪ રનના માર્જિનથી યાદગાર જીત

યશસ્વીની સતત બીજી મૅચ-વિનિંગ ડબલ સેન્ચુરી: જાડેજા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ જીત્યો અવૉર્ડ

રાજકોટ: ભારતે અહીં રવિવારે ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે રેકૉર્ડ-બ્રેક ૪૩૪ રનના માર્જિનથી હરાવીને પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી સરસાઈ લીધી હતી. ભારતે જીતવા માટે ૫૫૭ રનનો અસંભવ લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે બેન સ્ટૉક્સની ટીમ માંડ ૨૦ ટકા જેટલા રન બનાવી શકી હતી. તેઓ ૧૨૨ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયા હતા.

રનની ગણતરીએ ભારતની આ સૌથી મોટી જીત હતી તો ઇંગ્લૅન્ડની આ બીજા નંબરની સૌથી ખરાબ હાર હતી. ૧૯૩૪માં ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડનો ૫૬૨ રનથી પરાભવ થયો હતો અને એ બ્રિટિશરોની રનની ગણતરીએ સૌથી ખરાબ હાર છે.

યશસ્વી જયસ્વાલ બીજા દાવમાં ડબલ સેન્ચુરી (૨૧૪ અણનમ, ૨૩૬ બૉલ, ૧૨ સિક્સર, ૧૪ ફોર) ફટકારીને આ મૅચનો નંબર-વન બૅટર બન્યો હતો, પણ રવીન્દ્ર જાડેજા (૧૧૨ રન અને પ્રથમ ઇનિંગ્સમાં બે વિકેટ, બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ) ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે સુપરસ્ટાર બન્યો હતો અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો.

ટીમ ઇન્ડિયાને આવા જ અવસરની અને આવા જ દિવસની ખાસ જરૂર હતી. જેઓ માનતા હતા કે ભારતીય ટીમને ઘરઆંગણે આસાનીથી હરાવી શકાય તેમના માટે મજબૂત સંદેશ છે કે યુવા બૅટર્સ (યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ) તેમ જ સ્પિન સમ્રાટો (રવીન્દ્ર જાડેજા, આર. અશ્ર્વિન, કુલદીપ યાદવ) જો અસલ મિજાજમાં રમે અને અસલ ટચ બતાવે તો હરીફ ટીમે તેમને હરાવવાની વાત તો દૂર રહી, નાનાસૂના માર્જિનથી પરાજિત થવાનું પણ ભૂલી જવું જોઈએ. ગઈ કાલે ટીમ ઇન્ડિયાએ કમાલ જ કરી નાખી.

ભારત ૧૯૩૨ની સાલથી ટેસ્ટ-ક્રિકેટ રમે છે અને એમાં રનની દૃષ્ટિએ ભારતે જેટલી પણ જીત મેળવી છે એમાં ૩૭૨ રનનો માર્જિન અત્યાર સુધી સૌથી ઊંચો હતો, પણ હવે એ વિક્રમને રોહિત શર્મા ઍન્ડ કંપનીએ ૪૩૪ રનની જીત સાથે ભૂતકાળ બનાવી દીધો છે.

યશસ્વીએ સતત બીજી ટેસ્ટમાં ડબલ સેન્ચુરીની વિનોદ કાંબળી જેવી સિદ્ધિ મેળવી હતી. કાંબળીએ ૧૯૯૩માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં ૨૨૪ રન બનાવ્યા એ પછીની ટેસ્ટમાં ઝિમ્બાબ્વે સામે ૨૨૭ રન બનાવ્યા હતા.

યશસ્વીએ રવિવારે એક ટેસ્ટ-ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૨ સિક્સરના વસીમ અકરમના વિશ્ર્વવિક્રમની બરાબરી કરી હતી અને એક સિરીઝમાં હાઈએસ્ટ ૨૦ સિક્સરનો વ્યક્તિગત વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો. તેણે એ ઉપરાંત પણ બીજા કેટલાક વિક્રમો પોતાને નામ કર્યા હતા અથવા કેટલાકમાં બરાબરી પણ કરી હતી.

ઇંગ્લૅન્ડના બીજા દાવમાં માર્ક વૂડના ૩૩ રન હાઇએસ્ટ હતા. જાડેજાની પાંચ વિકેટ ઉપરાંત કુલદીપે બે તેમ જ અશ્ર્વિન અને બુમરાહે એક-એક વિકેટ લીધી હતી.

અશ્ર્વિન ફૅમિલીમાં મેડિકલ ઇમરજન્સી આવતાં મૅચમાં અધવચ્ચેથી ચેન્નઈ પાછો ગયો હતો, પણ રવિવારે પાછો રાજકોટ આવીને ટીમ સાથે જોડાઈ ગયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?