WhatsAppને ટક્કર આપવા આવી દેશી એપ, જાણો કઈ કંપનીએ કરી લોંચ ?

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં મેસેજિંગ એપ્લિકેશનમાં વોટ્સ એપ્પ એ સૌથી હાથવગી એપ તરીકે પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. તેની સામે અન્ય એપના વિકલ્પ તરીકે ઘણી એપ આવી છે, ત્યારે હવે ઝોહો (zoho)એ નવી મેસેજિંગ એપ લોન્ચ કરી છે અને તેનું નામ રાખ્યું છે અરટ્ટાઈ (Arattai). કંપનીએ એવો દાવો કર્યો છે કે આ એપ સસ્તા સ્માર્ટફોન અને સ્લો ઈન્ટરનેટ સ્પીડવાળા વિસ્તારમાં પણ કામ કરશે. જેનો સીધો ફાયદો ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં થશે.
ઝોહોની એપ Arattaiની સીધી સ્પર્ધા મેટાની એપ વોટ્સ એપ્પ સાથે થવાની છે. જો કે વોટ્સ એપ આજે દુનિયાભરમાં ખૂબ જ ખ્યાત મેસેજિંગ એપ બની ચૂકી છે. વોટ્સ એપ પર વિશ્વના 3 અબજ મંથલી એક્ટિવ યુઝર્સ છે. આ એપ 180 જેટલા દેશોમાં ઉપલબ્ધ છે અને ભારતમાં પણ તેના વપરાશકર્તાઓનો વર્ગ ઘણો જ મોટો છે.

શું છે અરટ્ટાઈના ફીચર્સ?
ઝોહોના અરટ્ટાઈના ફીચર્સની વાત કરીએ તો, તે લો બેન્ડવિડ્થ ઓપ્ટિમાઇઝેશન પર કામ કરે છે, જેના કારણે તે ઓછો ઇન્ટરનેટ ડેટા વાપરે છે. સરળ શબ્દોમાં સમજીએ તો, જો તમારી પાસે નબળું અથવા વારંવાર ડિસકનેક્ટ થતું નેટવર્ક હોય, તો તેવા વિસ્તારોમાં અરટ્ટાઈ સ્મૂધલી (નિરાંતે) કામ કરશે. ઝોહોની આ એપને એવી રીતે ડેવલપ કરવામાં આવી છે કે તે ફોનની ઓછી મેમરીનો ઉપયોગ કરે છે. આનાથી તમારી બૅટરી પર પણ ઓછો ભાર પડે છે. તેથી, આ એપ લો કન્ફિગરેશન સ્માર્ટફોનને પણ સપોર્ટ કરે છે, જેના પર ઘણી વખત હેવી એપ્સ ક્રેશ થઈ જાય છે.
…. પણ હજી તેના શરૂઆતી તબક્કામાં
અરટ્ટાઈ એક મેસેજિંગ એપ છે અને હજી તેના શરૂઆતી તબક્કામાં છે. કંપનીએ તેમાં લો બેન્ડવિડ્થ જેવા ફીચર્સનો સમાવેશ કર્યો છે, પરંતુ તેમાં હજી સુધી વૉટ્સએપ જેવી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા આપવામાં આવી નથી. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સિક્યોરિટીના એંગલથી વધુ સારું માનવામાં આવે છે. વૉટ્સએપની અંદર ઘણા એવા ફીચર્સ છે, જે તેને અન્ય એપ્સથી અલગ બનાવે છે.
આપણ વાંચો: સાવધાન! ઑનલાઈન રોકાણમાં નફો નકલી: સિહોરના યુવક સાથે ₹૪૭.૫૬ લાખની છેતરપિંડીનો બનાવ