પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો પછી હવે કાયદાકીય લડાઇ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓના પરિણામોને પડકારતી અનેક અરજીઓ કોર્ટમાં કરવામાં આવી છે જેના કારણે પાકિસ્તાનની કોર્ટમાં અરજીઓના ઢગલા થઇ ગયા છે. જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ દ્વારા સમર્થિત ઘણા ઉમેદવારોએ ૮ ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ગોલમાલનો આક્ષેપ કર્યો હતો જેના કારણે તેઓને આ પરિણામોને પડકારતી કોર્ટમાં અરજીઓ કરી છે.
મોટાભાગની અરજીઓ લાહોર હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જ્યારે ખાનના પક્ષ દ્વારા સમર્થિત બે ઉમેદવારોએ ચૂંટણી પરિણામો સામે ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાં ગયા હતા અને સિંધ હાઈ કોર્ટમાં ઓછામાં ઓછી ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના ચૂંટણી પંચે રવિવારે સામાન્ય ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર કર્યા હતા, જેમાં ખાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ ૧૦૧ બેઠકો જીતી હતી. જ્યારે ત્રણ વખતના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ૭૫ બેઠકો જીતીને સંસદમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે.
બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ૫૪ બેઠકો મળી હતી, જ્યારે વિભાજન વખતે ભારતમાંથી આવેલા ઉર્દૂ ભાષી લોકોના જૂથ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનને ૧૭ બેઠકો મળી હતી. બાકીની ૧૨ બેઠકો અન્ય નાના પક્ષોએ જીતી હતી.
લાહોર હાઈ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝની જીતને પડકારવામાં આવી હતી. જેમણે આવી અરજીઓ દાખલ કરી છે તેમાંના મોટાભાગના ઇમરાન ખાનના પક્ષ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો છે. અરજી દાખલ કરનારાઓમાં પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પરવેઝ ઈલાહી અને તેમની પત્ની કૈસર, ખૈબર પખ્તુનખ્વાના ભૂતપૂર્વ નાણાં પ્રધાન તૈમૂર ઝાગરા અને ખૈબર પખ્તુનખ્વા વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ મહેમૂદ જાન જેવા રાજકીય નેતાઓનો સમાવેશ થાય છે. લાહોરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શરીફ, તેમની પુત્રી મરિયમ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની જીતને પડકારવામાં આવી છે.