હતાશામાં પંખે લટકવા જઇ રહી હતી કોટાની વિદ્યાર્થીની, ભાઇના એક કોલને લીધે બચ્યો જીવ

“હું પણ કોટામાં NEETની તૈયારી કરી રહી હતી અને કેટલાક મહિનાઓ બાદ હું ડિપ્રેશનમાં જતી રહી હતી. હું ઉંઘી નહોતી શકતી, પગમાં ઝટકા મહેસૂસ થતાં હતા. મને થતું હતું કે દુપટ્ટો બાંધીને પંખે લટકી જવું એ જ એકમાત્ર વિકલ્પ છે.”
કારકિર્દી ઘડતરની ઉંચી આશાઓ અને સપના લઇને રાજસ્થાનના કોટામાં આવતા કુમળી વયના બાળકો શા માટે ડિપ્રેશનનો શિકાર થાય છે, આખરે એ કઇ વાત છે જે તેમને જીવન ટૂંકાવી નાખવા જેવો મોટો નિર્ણય લેવા તરફ દોરી જાય છે, આ ઘટનાઓને અટકાવવા માટેના ઉપાયો શું જેવા તમામ સવાલોનો જવાબ કોટાની એક 17 વર્ષીય વિદ્યાર્થીનીની કહાણી હોઇ શકે છે, જે પોતે પણ પંખે લટકીને જીવ આપવા જઇ રહી હતી, પરંતુ એ જ સમયે તેના ભાઇનો ફોન આવ્યો અને તેનો જીવ બચી ગયો.
આ વિદ્યાર્થીની એ આ જ વર્ષે 12મા ધોરણની પરીક્ષા આપી હતી અને NEETની તૈયારી માટે તે કોટા આવી હતી. પરંતુ કોટામાં રહીને ફક્ત 1 મહિનાની અંદર તે હતાશા અનુભવવા લાગી. ત્યાં 4-5 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા લોકોના તે સંપર્કમાં આવી, તેના રૂમમાં સતત એકલતા અનુભવતી, વિદ્યાર્થીની એકલતાથી ડરીને મંદિર અથવા નજીકના પાર્કમાં જતી રહેતી. તે સતત એવું વિચારતી કે માતાપિતાએ તેને અહીં મોકલવા ઢગલો રૂપિયા ખર્ચ્યા છે. એવામાં જો તે તેમની ધારણા મુજબનું પરિણામ પરીક્ષામાં ન લાવી શકી, તેમની અપેક્ષાઓ મુજબ તેને સફળતા ન મળી તો શું થશે? આ સવાલો તેને પજવતા. અનેક શિક્ષકો અને પોતાના સહપાઠીઓ સાથે તેણે વાત કરી પરંતુ તેની હતાશા દૂર ન થઇ.
આખરે કંટાળીને તે એક દિવસ પંખે દુપટ્ટો બાંધીને આપઘાત કરવા જઇ રહી હતી અને અચાનક ફોન રણક્યો. તેણે જોયું કે તેના ભાઇએ તેને કોલ કર્યો હતો. પરિવાર સાથે વાત કરતી વખતે તેના મોઢામાંથી વાત નીકળી ગઇ અને તેના પરિવારજનોએ તેને કોટા છોડીને ઘરે આવી જવા કહ્યું. હવે વિદ્યાર્થીની તેના ઘરેથી જ NEETની તૈયારી કરી રહી છે.
આ વિદ્યાર્થીનીએ કોટામાં રહીને તેને જે પ્રકારના અનુભવો થયા તેને સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. તેણે તમામ વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું હતું કે પોતાને પ્રાયોરિટી આપજો, NEET કે IIT તમારી જીંદગીથી વધારે નથી. તેણે વિદ્યાર્થીઓના માતાપિતાને પણ અનુરોધ કર્યો હતો કે તેઓ બાળકોના માનસને સમજે, તેમને દબાણ ન કરે, એવું નથી કે તેઓ સમસ્યા સામે લડવાની હિંમત નથી પરંતુ ક્યારેક ઝઝૂમવાની શક્તિ તેઓ ગુમાવી બેસતા હોય છે. એવા સમયમાં પરિવારનો સાથ તેમના માટે સૌથી વધારે જરૂરી હોય છે. જે તેમને મળવો જ જોઇએ.