નેશનલ

ગુજરાતમાં શાંતિ ડહોળવાનો હિચકારો પ્રયાસ

*વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જનની યાત્રા પર પથ્થરમારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગઈકાલે રાત્રે ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં અસામાજિક તત્ત્વો દ્વારા ધાબા પરથી પથ્થરમારો કરતાં વીડિયો વાયરલ થયા છે. પોલીસે ૧૮ લોકો સહીતના ટોળા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સાવલીના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન થયેલા પથ્થરમારામાં પોલીસે પાંચ વ્યક્તિઓને સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ ઉપરાંત તોફાન કરનારા અન્ય તોફાનીઓની શોધખોળ ચાલુ કરી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી છે. ગિરીશ પંચાલ નામના વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ગામના ૧૦૦ માણસો સાથે વેરાઈ માતાના ચોકમાંથી ટ્રેક્ટરમાં ગણપતિ લઈને વિસર્જન કરવા નીકળ્યા હતા. આ દરમિયાન ગરાસિયા
મહોલ્લામાં વિસર્જનની યાત્રા પહોંચતા જ પથ્થરમારો શરૂ થયો હતો.

ધાબા પરથી પથ્થરમારો કર્યા બાદ તોફાનીઓ ત્યાંથી નાસી ગયા હતા અને એવું કહેતા હતા કે આ લોકોને કાપી નાખો જીવતા જવા દેવાના નથી. ત્યાર બાદ વસીમ નામનો વ્યક્તિ ધારિયું લઈને આવ્યો હતો. આ દરમિયાન યાત્રામાં નાસભાગ મચી ગઈ હતી. ફરિયાદીએ પોલીસને જાણ કરતાં જ ઘટનાસ્થળે પોલીસનો કાફલો આવી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં સમગ્ર ગામમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. આ મામલે મંજુસર પોલીસે ૧૮ શખસ સાથે અન્ય ૩૦ના ટોળાં સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

નર્મદાના સેલાંબા ખાતે શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત મહારાષ્ટ્રની સીમા પર આવેલા નર્મદા જિલ્લાના સેલાંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન હિંદુ-મુસ્લિમ વસ્તી સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે ગુનો નોંધી ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા બજરંગ દળ દ્વારા નર્મદા જિલ્લાના સેલંબા ગામે શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે નીકળેલી યાત્રા પર મુસ્લિમ વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. એકાએક પથ્થરમારો થતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં કેટલાક બજરંગદળના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. બંને તરફ માહોલ ગરમાતા ગામમાં બે ટોળાં સામસામે આવી ગયા હતા. ભારે પથ્થરમારો કરીને વાહનોને આગના હવાલે કરવાની કોશિશ કરવામાં આવી હતી. ઘટનાની જાણ
પોલીસ વિભાગને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસ ટીમ સ્થળ પર પહોચી હતી. અશ્રુ ગેસના સેલ છોડીને ટોળાં વિખેરવાના પ્રયત્નો હાથ ધર્યા હતો. જ્યારે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પથ્થરમારો કરનારા ટોળા સામે ગુનો નોંધી ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button