વિધાનસભાની ચૂંટણીમાં હેટટ્રિક એ લોકસભાની ચૂંટણીમાં હેટટ્રિકની ગૅરેન્ટી: મોદી
નવી દિલ્હી: તાજેતરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હેટટ્રિક એ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં હેટટ્રિકની ગૅરેન્ટી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું.
આત્મનિર્ભર ભારતનો અમારી સરકારનો એજન્ડા આ વિજય પાછળનું મુખ્ય અને મહત્ત્વનું કારણ હોવાનું તેમણે કહ્યું હતું.
ભાજપના વડામથકે વિજયની ઉજવણી કરી રહેલા પક્ષના ટેકેદારોને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો ભ્રષ્ટાચાર વિરુદ્ધની અમારી લડતને જનતાનો ટેકો હોવાનું સ્પષ્ટ દર્શાવે છે.
વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ કૉંગ્રેસ તેમ જ વિપક્ષ ઈન્ડિયા બ્લૉકને પાઠ ભણાવ્યો છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે અમુક વારસદારોને એક મંચ પર એકઠાં કરવા ગ્રૂપ ફોટોગ્રાફ માટે સારી વાત છે, પરંતુ એમ કરવાથી લોકોનો વિશ્ર્વાસ જીતી શકાતો નથી.
ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા આ પક્ષોને મતદારોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમારી વિચારધારા બદલો અન્યથા જનતા તમને સત્તા પરથી ફેંકી દેશે.
કેન્દ્ર સરકારના વિકાસના કામ અને જનતાની આડે કોઈ ન આવે તો લોકો તેમને સત્તા પરથી દૂર કરી દેશે, એમ મોદીએ કહ્યું હતું.
અમુક લોકો કહી રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હેટટ્રિક એ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં હેટટ્રિકની ગૅરેન્ટી છે.
પક્ષનો આ વિજય વિશ્ર્વનો ભારત પરનો વિશ્ર્વાસ વધારશે અને વૈશ્ર્વિક રોકાણકારો દેશમાં વધુ રોકાણ કરવા આકર્ષાશે, એમ તેમણે કહ્યું હતું.
આ વિજય દર્શાવે છે કે વિકસિત ભારતના અમારા એજન્ડાને જનતાનો વધુને વધુ ટેકો મળી રહ્યો છે.
વિશ્ર્વ નિહાળી રહ્યું છે કે ભારતની જનતા સ્થિર સરકાર માટે મતદાન કરી રહી છે.
લોકો સ્વાર્થી રાજકારણ અને રાષ્ટ્રીય હિતના રાજકારણ વચ્ચેનો તફાવત સમજી રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મજબૂત ભાજપ દેશ અને પરિવારને વિકાસની દિશામાં આગળ લઈ જશે.
મહિલા, યુવાનો, ગરીબો અને ખેડૂતોનું સશક્તીકરણ દેશનું સશક્તીકરણ કરશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)