
ઘૂંઘટ મત ખોલ કિ ગોરી ઘૂંઘટ હૈ અનમોલ, ચૂપકે ચૂપકે રાત-દિન… કુછ ના કહો કુછ ભી ના કહો… જેવી ગઝલોને પોતાનો મખમલી કંઠ આપનાર પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થઈ ગયું હતું. પંકજ ઉધાસ એવા સિંગર છે કે જેમણે પોતાની ગાયિકીથી કરોડો લોકોને દિવાના બનાવ્યા હતા.
ભારત-ચીન યુદ્ધ વખતે આપ્યું હતું ફર્સ્ટ પર્ફોર્મન્સ…
ગુજરાતના રાજકોટ નજીક જેતપુરના ગુજરાતી પરિવારમાં જન્મેલા પંકજ ઉધાસને બાળપણથી જ સંગીતમાં ખાસ રસો હતો અને તેઓ પોતાના ભાઈ સાથે ગીત ગાતા હતા. તેમના પહેલાં સ્ટેજ પર્ફોર્મન્સની વાત કરીએ તો તેમણે તેમનું પહેલું પર્ફોર્મન્સ ભારત-ચીનના યુદ્ધ વખતે આપ્યું હતું અને એ વખતે તેઓ અય મેરે વતન કે લોગો ગીત ગાઈ રહ્યા હતા. એ સમયે ઓડિયન્સમાંથી કોઈએ આવીને તેમને 51 રૂપિયાનું ઈનામ આપ્યું હતું.
એરહોસ્ટેસને જોતા જ થયો પહેલી નજરનો પ્રેમ…
પંકજ ઉધાસની લવસ્ટોરી વિશે વાત કરીએ તો તે એકદમ ફિલ્મી છે. 70ના દાયકામાં પંકજ ઉધાસે પહેલી વખત ફરિદાને જોઈ હતી અને તેમને પહેલી જ નજરમાં જ પ્રેમ થઈ ગયો. એ સમયે પંકજ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો અને ફરિદા એરહોસ્ટેસ હતી. બંનેની મિત્રતા થઈ અને બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. ત્રણ આલ્બમ લોન્ચ થયા બાદ જ્યારે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં બંને જણ ફેમસ થયા ત્યારે પંકજ ઉધાર ફરિદાના પિતા પાસે તેમની દીકરીનો હાથ માંદગવા ગયા હતા.
ખુદ ગઝલકિંગ પંકજ ઉધાસે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે જ્યારે હું ફરિજાના પિતાને મળવા ગયો ત્યારે હું નર્વસ હતો. પણ ફરિદાના પિતાએ મારી વાત સાંભળી અને કહ્યું કે જો તમને બંનેને એવું લાગે છે કે તમે બંને જણ એક સાથે ખુશ રહી શકો છો તો આગળ વધો. 11મી ફેબ્રુઆરી, 1982માં પંકજ અને ફરિદાએ લગ્ન કર્યા હતા.
રાજ કપૂર રડી પડ્યા હતા પંકજ ઉધાસનું ગીત સાંભળીને…
એક્ટર રાજ કપૂર પણ પંકજ ઉધાસનું ગીત સાંભળીને રડી પડ્યા હતા. આ કિસ્સા વિશે વિસ્તારથી વાત કરીએ તો તે ગીત ચિઠ્ઠી આઈ હૈ સાથે સંકળાયેલો છે. રાજ કપૂરના કોઈ મિત્રએ તેમને ડિનર પર બોલાવ્યા હતા અને એ સમયે પંકજ ઉધાસનું આ ગીત પ્લે કર્યું હતું. આ ગીત સાંભળતાની સાથે જ રાજ કપુરની આંખોમાં આંસુ આવી ગયા હતા.
USમાં ટેક્સી ડ્રાઈવરે પંકજ ઉધાસને સંભળાવી એમની જ ગઝલની લાઈન્સ…
અમેરિકાના એક કોન્સર્ટ દરમિયાન જ્યારે પંકજ ઉધાસ પોતાની પર્ફોર્મન્સ માટે લેટ થઈ રહ્યો હતો ત્યારે તેમણે ટેક્સી ડ્રાઈવરને ટેક્સી ફાસ્ટ ચલાવવા કહ્યું તો ટેક્સી ડ્રાઈવરે એમને એમની જ ગઝલની લાઈન્સ સંભળાવી દીધી હતી ઝરા આહિસ્તા ચલ… આ સાંભળીને પંકજ ઉધાસ ચોંકી ગયા અને તેમણે કહ્યું કે ભાઈ લાગે તો ફોરેનર છે, હિંદી જાણે છે કે? આ સાંભળીને ટેક્સી ડ્રાઈવરે કહ્યું કે તે અફઘાની છે અને તેમનો ફેન છે…પંકજ ઉધાસને એરપોર્ટ પર છોડીને તે પંકજ ઉધાસને ગળે મળ્યા ટેક્સીનું ભાડું પણ ના લીધું…
રિધમ હાઉસમાં 10 વર્ષ સુધી સતત ચાર્ટમાં પંકજ ઉધાસનું જ નામ રહેતું…
1981-90ની વચ્ચે મુંબઈમાં એક દુકાન હતી નામે રિધમ હાઉસ… જ્યાં દર અઠવાડિયે એક ચાર્ટ લગાવવામાં આવતું હતું. આ ચાર્ટ પર સૌથી વધુ વેચાતા 10 આલ્બમના નામ રહેતાં અને 1981-90ના દાયકામાં હંમેશા આ ચાર્ટ પર પંકજ ઉધાસના આલ્બમનું નામ રહેતું હતું. એક સમયે લોકોને એવું લાગ્યું હતું કે પંકજ ઉધાસનું નામ આ તો આ લિસ્ટમાંથી હટતું જ નથી…