નેશનલ

આ કારણથી ઉત્તર પ્રદેશમાં સગીર વયના બે બાળકના મોત

માતા પિતાની હાલત થઈ ખરાબ

ગાઝિયાબાદ: ભસતા કૂતરા કરડે નહિ પણ રખડતા કૂતરાથી અચૂક સતર્ક રહેવું પડે. તાજેતરમાં રખડતા શ્વાનના કરડવાથી ઉત્તર પ્રદેશમાં બે સગીર વયના બાળકના મોત થયા હતા. છે ને ચોંકાવનારી બાબત! પણ આ હકીકત રાજ્યના બે મોટા શહેરમાં બની હતી.

રખડતા શ્વાન કરડવાથી માસૂમ બાળકોના થતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. દેશભરમાં ભટકતા રખડું શ્વાનોનો આતંક છે. આવા શ્વાનો ક્યારેક કોઇ અકળ કારણસર માનવી પર અચાનક હુમલો કરી દેછે અને તેમને ઘાયલ કરી નાખે છે. આવા સમયે જો આપણે સાવચેતી ના રાખીએ અને ડૉક્ટર પાસે સમયસર યોગ્ય સારવાર અને હડકવાના ઇંજેક્શન ના લઇએ તો શ્વાન કરડવાથી પીડિતનું મોત પણ થઇ જાય છે.


હાલમાં જ યુપીના ગાઝિયાબાદમાં એક 14 વર્ષના બાળકનું શ્વાન કરડવાથી મોત થયું હતું. હવે આવો જ એક કિસ્સો યુપીના મેરઠમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દુષ્યંત નામના 12 વર્ષના બાળકનું હડકવાના ચેપને કારણે મોત થયું હતું. બાળકને બે મહિના પહેલા રખડતો શ્વાન કરડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, 28 ઓગસ્ટના રોજ મેરઠના સૂર્યપુરમ કોલોનીમાં રહેતા બાળકને જમણા પગ પર રખડતો શ્વાન કરડ્યો હતો. બાળકને ઇજા થવાથી તેના પરિવારજનો તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા અને ડોક્ટરે તેને માત્ર ટિટાનસનું ઈન્જેક્શન આપીને ઘરે મોકલી આપ્યો હતો. થોડા દિવસો પછી હડકવાનો ચેપ બાળકના આખા શરીરમાં ફેલાઈ ગયો હતો અને બાળકને ખૂબ તાવ આવ્યો હતો. આથી ગભરાઇને બાળકના પરિવારજનો તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો. આ પછી પરિવાર દુષ્યંતને એઈમ્સ (દિલ્હી), સફદરજંગ (દિલ્હી) અને ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ સહિત ઘણી મોટી હોસ્પિટલોમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ દુષ્યંતને સાજા કરવા માટે અસમર્થતા દર્શાવી હતી.


આખરે પરિવાર દુષ્યંતને ઘરે લઈ આવ્યો હતો અને ઘરે સારવાર શરૂ કરી હતી, પરંતુ હડકવાનું ઝેર શરીરના બધે પ્રસરી ગયું હતું અને હવે દુષ્યંતે શ્વાન જેવી અજીબોગરીબ હરકતો કરવા માંડી હતી. આખરે 6 નવેમ્બરના રોજ હડકવાને કારણે બાળકનું તડપી તડપીને મૃત્યુ થયું હતું. સોમવારના રોજ તેના પરિવારજનોએ તેને ગઢમુક્તેશ્વરમાં અગ્નિસંસ્કાર આપ્યો હતો. શ્વાન કરડવાથી બાળકનું મોત થવાથી પરિવારજનોની હાલત ખરાબ થઇ ગઇ હતી.


તેઓ સતત રડી જ રહ્યા હતા અને બાળકનો યોગ્ય અને સમયસર ઉપચાર કેમ નહીં કરાવ્યો એમ વિચારીને પીડા અનુભવી રહ્યા છે. દરમિયાન શ્વાન કરડવાની ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે. આવી ઘટનાઓ રોજેરોજ બની રહી છે પરંતુ પ્રશાસન આ બાબતે કંઇ ધ્યાન નથી આપતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button