ઇડી દ્વારા એમવે સામે તહોમતનામું નોંધાવાયું
મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમનો પર્દાફાશ
નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા સોમવારે આક્ષેપ કરાયો હતો કે મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવતી એમવે ઇન્ડિયાએ ‘ગુનો’ આચરીને રૂપિયા ૪,૦૦૦ કરોડથી વધુ ભેગા કર્યા હતા અને તેમાંનો મોટો હિસ્સો વિદેશમાંના બૅન્ક ખાતાંમાં જમા કરાવ્યો હતો.
ઇડીએ કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ રોકવા માટેના ધારા હેઠળ કાર્યવાહી કરતી હૈદરાબાદની ખાસ અદાલતમાં એમવે ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ પ્રા. લિ.ની સામે તહોમતનામું નોંધાવ્યું હતું.
ઇડીએ જણાવ્યું હતું કે આ અદાલતે સોમવારે કરાયેલી ફરિયાદને ધ્યાન પર લીધી હતી.
આક્ષેપ છે કે કંપની દ્વારા માલસામાનના વેચાણના કહેવાતા ‘બહાના’ હેઠળ નાણાંની કહેવાતી ગેરકાયદે ‘સર્ક્યુલેશનની સ્કીમ’ ચલાવાતી હતી. તે સામાન્ય જનતાને નવા સભ્યો બનાવવા મોટું કમિશન કે ઇન્સેન્ટિવની ઑફર કરતી હતી અને આ કમિશન કે ઇન્સેન્ટિવ કાયમી ધોરણે ચાલુ રાખવાની બાંયધરી આપતી હતી.
ઇડીએ આક્ષેપ કર્યો હતો કે અમને તપાસમાં જાણવા મળ્યું હતું કે એમવે (માલસામાનના) સીધા વેચાણના કહેવાતા નબહાનાથ હેઠળ એક પિરામિડ સ્કીમને પ્રમૉટ કરતી હતી. કંપની ગ્રાહકોને માલનું સીધું વેચાણ કરવાને બદલે પોતાના સભ્યોને બદલે મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવતી હતી અને વિક્રેતાના નામે અનેક વચેટિયાને રાખતી હતી.
આમ છતાં, કંપની પોતાના દ્વારા કાયદાનું પાલન કરાયું હોવાનો દાવો કરાય છે. (એજન્સી)