નેશનલ

બજેટ સ્પેશિયલ આર્થિક સર્વેક્ષણની આવૃત્તિ જેવું બજેટ મધ્યમ વર્ગ માટે રસકશ વગરનું અને નિરસ

વચગાળાના અંદાજપત્રમાં સરકારના દસ વર્ષની સિદ્ધિઓ સરવાળો અને આવનાર સમયના આયોજનોનો અંદાજ

કરન્ટ ટોપિક -નિલેશ વાઘેલા

મુંબઇ: નાણાંપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા વોટ ઓન અકાઉન્ટ એટલે કે વચગાળાના અંદાજપત્રમાં લોકઅંદાજ અનુસાર જ એપક્ષિત બાબતોનો સમાવેશ અને ગેરહાજરી જોવા મળી હતી. ખાસ કરીને આ ઇન્ટ્રિમ બજેટમાં સરકારના દસ વર્ષની સિદ્ધિઓ અને આવનાર સમયના આયોજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બજેટ આર્થિક સર્વેક્ષણ જેવું વધુ લાગે છે. બજેટ વિકાસલક્ષી જણાંતું હોવા છતાં તાત્કાલિક અસરના ધોરણે અત્યંત રસકશ વગરનું અને નિરસ જણાઇ રહ્યું છે.

નાણાં પ્રધાને ખાસ કરીને દેશના આર્થિક અને સામાજિક વિકાસના માળખાને મંજબૂત કરવા તરફ ધ્યાન આપ્યું હોવાનું સપાટી પરના અવલોકનથી જણાય છે અને જોકે કરવેરાના માળખામાં કોઇ ફેરફાર ના કરીને મધ્યમ વર્ગને નારાજ કર્યો છે.

એક તરફ નાણાં પ્રધાને સગર્વ એવી માહિતી આપી છે કે પાછલા દસ વર્ષમાં આવકવેરાની વસૂલાત ત્રણ ગણી વધી છે. જીએસટી કલેક્શન પણ બમણું થયું છે. આમ છતાં તેમણે પ્રોટોકોલને નામે આમઆદમીને કોઇપણ રાહત આપવાનું ટાળ્યું હતું. તેમણે ફક્ત યાદ અપાવ્યું હતું કે અમે ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. સાત લાખની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્સ લાગતો નથી અને હાલમાં ઈન્કમટેક્સ પેયર્સને રૂપિયા સાત લાખ સુધીની છૂટ મળી છે તે યથાવત રહેશે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો, છતાં કરદાતાને નિરાશા સાંપડી
કરદાતાઓની સંખ્યામાં ૨.૪ ટકાનો વધારો થયો છે. ૧૦ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. કરદાતાઓ ૨.૪ ગણા વધ્યાં છે. કરદાતાઓનું યોગદાન દેશના વિકાસમાં કામ આવી રહ્યું છે. સરકારે કર દરો ઘટાડ્યાં છે. અમલમાં આવી ચૂકેલી નવી કર યોજના હેઠળ સાત લાખ રૂપિયા સુધી હવે કોઈ ટેક્સ નથી.

કોર્પોરેટ ટેક્સમાં પણ ઘટાડો થયો છે. નવા ફોર્મ ૨૬એએસથી ટેક્સ ફાઈલ કરવો સરળ બન્યો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૯૩ દિવસોની જગ્યાએ હવે ૧૦ દિવસમાં રિફન્ડ મળી રહ્યું છે.

જોકે આ મુક્તિમર્યાદા સામે પણ તમામ ટેક્ સેવિંગ્સ સવલતો જતી કરવાની રહે છે એ માત્ર ટેક્સ પેયર્સ જ જાણે છે. તેમણે એમ પણ જણાવ્યું કે અમે ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ કરી છે. રિફંડ પણ જલદી આપવામાં આવે છે. જીએસટીની મદદથી અપ્રત્યક્ષ કરવ્યવસ્થાને બદલવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો નોકરિયાત વર્ગ અને મિડલ કલાસ સરકારના રાહતલક્ષી રડાર પર નથી.

આવાસ યોજનાઓની ઘણી વાતો, પરંતુ અફોર્ડેબલ હાઉસિંગનું કોકડું ગૂંચવાયેલું
બજેટમાં સૌથી વધુ હાઇલાઇટ થયેલી બાબત રાજકોષીય ખાધ છે, જેને દેશના અર્થતંત્ર માટે ઘણી મહત્ત્વની બાબત ગણવામાં આવે છે. સરકારે રાજકોષીય ખાદ્ય ૫.૧ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જેમાં ખર્ચ રૂ. ૪૪.૯૦ કરોડ અને અંદાજિત આવક રૂ. ૩૦ લાખ કરોડ છે. ૨૦૨૫-૨૦૨૬ સુધીમાં ખાદ્યમાં વધુ ઘટાડો થશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ બજેટ માટે એવું કહેવાઇ રહ્યું છે કે ઇલેકશન સામે હોવા છતાં સરકાર પોપ્યુલિસ્ટ બજેટ આપવાથી અળગી રહી છે. જોકે બજેટ પ્રવચનમાં એવું દેખાઇ રહ્યું છે કે, આમઆદમીને રાહતો અપાઇ નથી, વિકાસ આયોજનોનો દિશાનિર્દેશ અપાયો છે, પરંતુ સાથે અગાઉ જણાવ્યું તેમ આર્થિક સર્વેક્ષણની જેમ માત્ર સરકારની સિદ્ધિઓની વાતો વધુ થઇ છે.

નાણાપ્રધાને પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, પાછલા ૧૦ વર્ષમાં અમે બધા માટે આવાસ, દરેક ઘર માટે પાણી, બધા માટે બૅન્ક ખાતા જેવા કામો વિક્રમી સમયમાં પૂર્ણ કર્યા છે. એ જ સાથે એંશી કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું. ખેડૂતોની ઊપજના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સંસાધનોનું વિતરણ પારદર્શિતા સાથે કરવામાં આવ્યું છે.

સરકારે ખાસ કરીને આવાસ યોજનાઓ વિશે ઘણી વાતો કરી છે અને તેને સામાજિક માળખા માટે અત્યંત મહત્વની કામગીરી ગણાવે છે. સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ બે કરોડ ઘરની ઘોષણા કરી છે, જેની વિગત આગળ જોઇશું. મોટાભાગના રિઅલ્ટર્સે સરકારની આવાસ યોજનાની સરાહના કરી છે. જોકે, નોંધવું એ રહે છે કે સરકારે અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યામાં ફેરફાર નથી કર્યો.

સરકારે અફોર્ડેબલ હાઉસિંગ માટે રૂ. ૪૫ લાખની કિંમત અને ૬૦ ચોરસ મીટર અથવા તો અંદાજે ૬૦૦ ચોરસ ફૂટ જેવી શરતો અખિલ ભારતીય સ્તરે અમલી બનાવી છે. જોકે, કોઇપણ મહાનગરોમાં આ વ્યાખ્યામાં ફીટ બેસે એવા ઘર ઉપલબ્ધ ના હોવાથી અનેક મધ્યમવર્ગીય લોકો સરકારી યોજનાઓથી વંચિત રહી જાય છે. સરકારે આ સંદર્ભે ત્વરિત પગલાં લેવા જોઇએ.
સરકારનું ફોકસ ગરીબ, મહિલા, યુવાનો અને ખેડૂતો પર
સરકારે જે પ્રમાણે સંકેત આપ્યો તે પ્રમાણે સરકાર ગરીબ, મહિલા, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સરકાર ગરીબ કલ્યાણ, દેશનું કલ્યાણના મંત્ર સાથે કામ કરી રહીં છે. ચાલો આ માન્ય કરીએ તો પણ સબકા સાથ, સબકા વિકાસમાં આમઆદમી કે નોકરિયાત કેમ બાકાત રહી શકે? સરકારને આવક વેરામાં મોટો ફાળો આપનાર નોકરિયાતો અને મધ્યમવર્ગના ભોગે ગરીબોને લાભ આપવાનો તર્ક યોગ્ય જણાતો નથી. દેશના વિકાસનો બોજ મધ્યમવર્ગને માથે નાંખવો પણ યોગ્ય નથી.

એ પણ માન્ય કે, સરકારને વોટ ઓન અકાઉન્ટમાં રાહતો આપવા બાબતે પ્રોટોકોલ નડે. જોકે, સરકાર ધારે તો કઇ પણ કરી શકે છે, એનો દાખલો મોબાઇલ ફોનના પાર્ટસની જકાતનો ઘટાડો છે. સરકારે બજેટની રજૂઆત પહેલા જ મોબાઇલ પોનના કોમ્પોનન્ટ્સની આયાત જકાતમાં ૧૦ ટકા ઘટાડો કર્યો છે.

મહિલા ઉદ્યોજકોને પાછલા ૧૦ વર્ષમાં ૩૦ કરોડ મુદ્રા યોજના લોન
એની વેઝ આપણે હવે બજેટના બીજા પાંસાઓ પર ધ્યાન આપીએ. સરકારના આંકડા અનુસાર મહિલા ઉદ્યોજકોનેે પાછલા ૧૦ વર્ષમાં ૩૦ કરોડ મુદ્રા યોજના લોન આપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓને ૭૦ ટકા આવાસ મળ્યાં છે. સરેરાશ વાસ્તવિક આવક ૫૦ ટકા વધી છે અને મોંઘવારી કાબુમાં આવી છે. પરિયોજનાઓ સમયસર પૂર્ણ થઈ રહી છે. લોકો સારી રીતે જીવન ગુજારી રહ્યાં છે અને સારી આવક મેળવી રહ્યાં છે.

સંસદમાં બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણાપ્રધાનેે એવી જાહેરાત કરી છે કે, કોવિડ મહામારી છતા પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ત્રણ કરોડ ઘર બનાવવાનું કામ પૂર્ણ કર્યા બાદ આગામી પાંચ વર્ષમાં વધુ બે કરોડ બનાવવામાં આવશે.

પાંચ સંકલિત એક્વા પાર્ક બનાવવામાં આવશે
પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાથી ૩૮ લાખ ખેડૂતોને ફાયદો થયો છે અને ૧૦ લાખ રોજગારીની તકો ઊભી થઈ છે. લણણી પછીના નુકસાનને રોકવા માટે પણ યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. કાપણી પછીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે અમે ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારીને મજબૂત કરીશું, એવું એમણે જણાવ્યું છે.

સ્વનિર્ભર તેલ બીજ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ યોજના અંતર્ગત નવી કૃષિ ટેકનોલોજી અને કૃષિ વીમાને પ્રોત્સાહન આપવામાં આવશે. ડેરી સાથે સંકળાયેલા ખેડૂતોને પણ મદદ કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય ગોકુલ મિશન જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મત્સ્ય સંસાધનોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. સીફૂડનું ઉત્પાદન બમણું થયું છે. મત્સ્ય સંપદા યોજના દ્વારા, ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ત્રણથી પાંચ ટન સુધી વધારવામાં આવશે. પંચાવન લાખ નવી રોજગારીની તકો ઉભી થશે. પાંચ સંકલિત એક્વા પાર્ક બનાવવામાં આવશે.

એક કરોડ ઘરોને સૌર ઉર્જા, મધ્યમવર્ગને મળશે અવાસ
મફત વિજળી રૂફટોપ સૌર ઉર્જા મારફતે એક કરોડ ઘરોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી દર મહિને સૌર ઊર્જાથી મળશે. આમ એક પરિવારની ૧૫-૧૮ હજારની બચત થશે. ઈ-વ્હીકલના ચાર્જિંગ માટે મોટી સંખ્યામાં ઈન્સ્ટોલેશન કરાશે. જેથી વેન્ડરોને કામ મળશે.

મધ્યમ વર્ગ માટે યોજના બનાવાશે, ભાડાના ઘર, ચાલી અને અનિયમિત ઘરોમાં રહેનારાઓને નવુ ઘર ખરીદવાનો અને બનાવવાનો મોકો મળશે. કેન્દ્રીય નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, ૨૦૨૪-૨૫માં કુલ ખર્ચ ૪૭.૬૬ લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જ્યારે રાજકોષીય નુકસાન જીડીપીના ૫.૧ ટકા રહેવાનો અંદાજ છે. જેનો આગામી વર્ષ માટે ૪.૫ ટકા નીચે લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા પર જોર અપાશે
એફડીઆઈ એટલે કે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા પર જોર આપવામાં આવશે. જેથી પહેલા વિકાસ ભારત આવે. રાજ્યોની સુધાર યોજનાઓ માટે ૭૫ હજાર કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ ૫૦ વર્ષ માટે વ્યાજ મુક્ત લોન હશે. આગામી ૨૫ વર્ષ અમારા માટે કર્તવ્ય કાળ છે. દેશની વિમાની કંપનીઓ નવા ૧૦૦૦ વિમાન ખરીદી રહી છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે, હવે દેશમાં ૧૪૯ એરપોર્ટ છે. ટીયર-૨ અને ટિયર ૩ શહેરોમાં ઉડાન હેઠળ વિસ્તરણ કરવામાં આવ્યું છે. દેશની વિમાની કંપનીઓ એક હજાર નવા વિમાન ખરીદી રહી છે.

ત્રણ નવા રેલવે કોરિડોરની જાહેરાત
વંદે ભારતના ધોરણો અનુસાર ૪૦ હજાર સામાન્ય બોગી વિકસાવાશે. ત્રણ રેલવે કોરિડોર ઉર્જા, ખનીજ અને સિમેન્ટ માટે બનાવવામાં આવશે. પીએમ ગતિ શક્તિ હેઠળ તેની ઓળખ કરવામાં આવી છે. જેનો ખર્ચ ઓછો હશે અને સામાનના પરિવહનમાં સરળતા રહેશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી વિકાસ દર વધારવામાં મદદ મળશે. વંદે ભારતના ધોરણો અનુસાર ૪૦ હજાર સામાન્ય બોગી વિકસાવવામાં આવશે, જેથી મુસાફરોની સલામતી અને સુવિધામાં વધારો કરી શકાય.

સરકાર નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપશે
બજેટ વકતવ્યમાં જણાવાયું કે, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય સંશોધનનો નારો પીએમ મોદીએ આપ્યો. નવી ટેકનોલોજીને પગલે વેપારમાં મદદ મળી રહી છે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાન નો નારો આપ્યો હતો. અટલજીએ જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનનો નારો આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો વિસ્તાર કરીને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય સંસોધનનો નારો આપ્યો છે.

ટેક્નોલોજી ક્ષેત્રે રસ ધરાવનારાઓ માટે આ સુવર્ણ સમયગાળો છે. એક લાખ કરોડનું ભંડોળ વ્યાજમુક્ત અથવા ઓછા વ્યાજ દરે વહેંચવામાં આવશે. આનાથી લાંબા ગાળાની નાણાકીય મદદ મળશે. તેનાથી ખાનગી ક્ષેત્રને મદદ મળશે.

લખપતિ દીદીની સંખ્યા વધારી ત્રણ કરોડ કરવાનો લક્ષ્યાંક
નવ કરોડ મહિલાઓ સાથે સંકળાયેલા ૮૩ લાખ સ્વ-સહાય જૂથો મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમની સફળતાએ એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનવામાં મદદ મળી છે. તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. અમે નક્કી કર્યું છે કે લખપતિ દીદી માટેનો લક્ષ્યાંક રૂપિયા બે કરોડથી વધારીને રૂપિયા ત્રણ કરોડ કરવામાં આવ્યો છે.

એ જ સાથે તેમણે જણાવ્યું કે, ૯ થી ૧૪ વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાશે. અમે હાલના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો બનાવીશું. અમારી સરકાર ૯ થી ૧૪ વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપશે.

માતૃત્વ અને બાળકના વિકાસ માટે વ્યાપક યોજના બનાવવામાં આવશે. આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે. ન્યુટ્રિશન ૨.૦ ના અમલીકરણને ઝડપી કરવામાં આવશે. રસીકરણને વધુ મજબૂત બનાવવામાં આવશે. આયુષ્માન ભારત અંતર્ગત તમામ આશા અને આંગણવાડી કાર્યકરોને તેના દાયરામાં લાવવામાં આવશે. ટૂંકમાં આ અંદાજપત્રમાં જાહેરાત ઘણી થઇ છે હવે જુલાઇમાં રાહતો મળે છે કે નહીં તે જોવું રહ્યું!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા