નેશનલ

અમેરિકાના બાલ્ટીમોરમાં જહાજ અથડાતાં પુલ કડડડભૂસ

બાલ્ટીમોર: અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરમાં એક માલવાહક જહાજ મંગળવારે પરોઢ પહેલા રાતે પુલ સાથે અથડાતા અનેક વાહન નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનાને લીધે નદીમાં ઓછામાં ઓછા સાત જણ પડ્યા હતા અને તેમાંના બે જણને બચાવી લેવાયા હતા.

બચાવ અને રાહત કાર્યકરો દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી ચાલી રહી છે.

બાલ્ટીમોર અગ્નિશામક દળના વડા જેમ્સ વૉલેસે જણાવ્યું હતું કે બચાવવામાં આવેલા લોકોમાંના એક જણની તબિયત ગંભીર છે.

ક્ધટેનરોને લઇ જતું માલવાહક જહાજ ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાતા આ દુર્ઘટના થઇ હતી.

બાલ્ટીમોરના મેયર બ્રાન્ડન સ્કોટે જણાવ્યું હતું કે જહાજ અથડાવાથી પુલ તૂટી પડશે, એવું ક્યારેય વિચાર્યું પણ નહોતું.

વાહનો નદીમાં પડ્યા ત્યારે તાપમાન અંદાજે ૪૮ અંશ ફેરનહિટ (આશરે આઠ અંશ સેલ્સિયસ) હતું.

જહાજ પુલ સાથે અથડાયું ત્યારે બ્રિજ પર એક ટ્રેક્ટર – ટ્રેલર ટ્રક સહિત અનેક વાહન હતા. આ નદીનો પ્રવાહ બાલ્ટીમોરના બંદર સુધી જાય છે. આ પુલનું નામ અમેરિકાના રાષ્ટ્રીય ગીત ‘ધ સ્ટાર-સ્પૅન્ગલ્ડ બેનર’ના લેખક ફ્રાન્સિસ સ્કોટ કીના નામ પરથી પાડવામાં આવ્યું હતું.

મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે દુર્ઘટનાના સ્થળે કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે અમે એફબીઆઇ અને અન્ય સરકારી એજન્સીઓની સાથે મળીને બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છીએ.

‘દાલી’ નામનું જે જહાજ પુલના થાંભલા સાથે રાતે અંદાજે દોઢ વાગ્યે અથડાયું હતું, તે જહાજનું માલિક સિનર્જી મરીન ગ્રૂપ છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button