જ્ઞાનવાપી કેસમાં હિંદુઓનો મોટો વિજય
વારાણસીની મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રાખવા હાઇ કોર્ટની બહાલી
પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): અલાહાબાદ વડી અદાલતે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંના દક્ષિણના ભોંયરામાં પૂજા ચાલુ રાખવાની સોમવારે પરવાનગી આપતા આ કેસમાં હિંદુ પક્ષકારોનો મોટો વિજય થયો છે.
જિલ્લા અદાલતે અગાઉ આ સંબંધમાં આપેલા આદેશને પડકારતી અરજીઓને વડી અદાલતે કાઢી નાખી હતી.
જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણના વ્યાસ તહીખાના' (તહી એટલે તળિયું અને ખાના એટલે મકાન. ટૂંકમાં કહીએ તો તહીખાના એટલે ભોંયરું)માં પૂજા કરવાની મંજૂરી આપતા વારાણસીની જિલ્લા અદાલતના ન્યાયાધીશના ચુકાદાને પડકારતી મસ્જિદની સંચાલન સમિતિએ કરેલી અરજીઓને વડી અદાલતના ન્યાયાધીશ રોહિત રંજન અગરવાલે કાઢી નાખી હતી. વારાણસીની જિલ્લા અદાલતે જાન્યુઆરીમાં આપેલા ચુકાદાને પડકારતી અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ સમિતિની બે અરજીને વડી અદાલતે કાઢી નાખી હતી. જિલ્લા અદાલતે
વ્યાસ તહીખાના’ (ભોંયરા)ના રિસિવર' તરીકે જિલ્લા મેજિસ્ટે્રટની નિમણૂક કરતો ચુકાદો 17 જાન્યુઆરીએ આપ્યો હતો અને મસ્જિદના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપતો હુકમ 31 જાન્યુઆરીએ કર્યો હતો. વડી અદાલતના ન્યાયાધીશ રોહિત રંજન અગરવાલે જણાવ્યું હતું કે અમે મસ્જિદના
વ્યાસ તહીખાના’માં પૂજા ચાલુ રાખવા પરવાનગી આપીએ છીએ. અમને બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અને સંબંધિત રેકોર્ડ તપાસ્યા બાદ જાન્યુઆરીમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશે આપેલા ચુકાદામાં દખલગીરી કરવાની જરૂર નથી લાગતી.
અગાઉ, વડી અદાલતે બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ ચુકાદો 15 ફેબ્રુઆરીએ મુલતવી રાખ્યો હતો.
અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ સમિતિ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરાય છે. જિલ્લા અદાલતના ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કર્યો હતો અને વાદીને સંબંધિત અરજી વડી અદાલતમાં જ કરવાનો હુકમ કર્યો હતો.
જિલ્લા અદાલતે આ મસ્જિદમાંના દક્ષિણના ભોંયરામાં પૂજારીને પૂજા કરવાની પરવાનગી આપતો ચુકાદો 31 જાન્યુઆરીએ આપ્યો હતો. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અને અન્ય એક અરજદારે નક્કી કરેલા પૂજારી દ્વારા મસ્જિદના ભોંયરામાંની મૂર્તિઓની હાલમાં પૂજા કરે છે અને વડી અદાલતના ચુકાદાને લીધે આ પૂજા ચાલુ રાખી શકાશે. આ અરજદારે દાવો કર્યો હતો કે મારા દાદા 1993ના ડિસેમ્બર સુધી મસ્જિદના આ ભોંયરામાં પૂજા કરતા હતા.
અગાઉ, અદાલતના હુકમને પગલે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ જ્ઞાનવાપી મસ્જિદના કરેલા સર્વેક્ષણ બાદ એવો અહેવાલ આપ્યો હોવાનું કહેવાય છે કે મોગલ રાજા ઔરંગઝેબે મંદિર પર મસ્જિદ બંધાવી હતી. (એજન્સી)