નેશનલ

કેનેડા જનારાઓને મોટો ફટકો, સરકારના આ નિર્ણય બાદ હવે આ શહેરોમાં વિઝા સેવાઓ બંધ

નવી દિલ્હી: ભારતથી કેનેડા જવા માગતા લોકોને મોટો ફટકો પડે એવા સમાચાર છે. આગામી દિવસોમાં વિઝા સંબંધિત સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ ભારતમાંથી તેના ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. આ કારણે ચંદીગઢ, મુંબઈ, બેંગલૂરુ જેવાં શહેરોમાંથી કેનેડા માટે વિઝા સેવાઓ બંધ થઈ ગઈ છે, એટલે કે હવે આ શહેરોમાંથી લોકોને કેનેડા જવા માટે વિઝા કાર્યવાહી કરવા દિલ્હી જવું પડશે.

ભારતમાં પંજાબમાંથી લોકો કેનેડા જવાનું મોટા પાયે પસંદ કરે છે, તેથી સૌથી મોટો ફટકો એવા પંજાબીઓને છે કે જેમના બાળકો કે માતા-પિતા કેનેડા જવા માગે છે, તેમણે વિઝા પ્રોસેસિંગ કરાવવા માટે દિલ્હી જવું પડશે. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે ભારતમાં ૬૨માંથી ૪૧ કેનેડિયન રાજદ્વારીઓને હટાવવામાં આવ્યા છે. જોકે ૨૧ કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાં જ રહેશે. જોલીએ કહ્યું હતું કે આ નિર્ણય તેમની રાજદ્વારી પ્રતિરક્ષણ ગુમાવવાના જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે કેનેડા ભારતીય રાજદ્વારીઓને ધમકી આપશે નહીં. જોલીએ કહ્યું કે સ્ટાફની અછતને કારણે કેનેડાએ નવી દિલ્હી સિવાય તમામ ઓફિસોમાં વ્યક્તિગત રાજદ્વારી સેવાઓ સ્થગિત કરવી પડશે. ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પત્રકારોને જણાવ્યું હતું કે વિઝા અરજી કેન્દ્રો સામાન્ય રીતે કામ કરશે, કારણ કે તે ત્રીજા પક્ષકાર દ્વારા ચલાવવામાં આવે છે. જો કે તેમણે એ પણ સ્વીકાર્યું કે અરજીઓની પ્રક્રિયામાં હવે વધારાનો સમય લાગશે. કેનેડિયન રાજદ્વારીઓને પરત મોકલવાના ભારતના નિર્ણયથી બંને દેશોમાં નાગરિકોને સેવાઓના સ્તરને અસર થશે. કમનસીબે, અમારે ચંડીગઢ, મુંબઈ અને બેંગલૂરુમાં અમારા વાણિજ્ય દૂતાવાસમાં તમામ વ્યક્તિગત સેવાઓ સ્થગિત કરવી પડશે. જે કેનેડિયનને કોન્સ્યુલર સહાયતાની જરૂર હોય તેઓ હજુ પણ દિલ્હીમાં અમારા હાઈ કમિશનની મુલાકાત લઈ શકે છે અને તેઓ હજી પણ ફોન અને ઈમેલ દ્વારા સંપર્ક સાધી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button