ચમત્કારઃ પ્લેનના પૈડાં પાસે બેસી એક 13 વર્ષનો છોકરો પહોંચી ગયો કાબૂલથી દિલ્હી

નવી દિલ્હીઃ અમુક સમયે તમે ન માનતા હોવ તો પણ ચમત્કારોમાં માનવું પડે તેવી ઘટનાઓ બનતી હોય છે. પ્લેનના પૈડાં પાસે બેઠેલો એક 13 વર્ષનો છોકરો કાબૂલથી બેસે અને દિલ્હી પહોંચે અને તે પણ હેમખેમ તો ચમત્કાર જ કહેવાય ને. આવો ચમત્કાર થયો છે અને ડોક્ટરોને પણ નવાઈ લાગે છે કે આ છોકરો પહોંચ્યો કઈ રીતે.
જવું હતું ઈરાન પહોંચી ગયો દિલ્હી
આ વાત અફઘાનીસ્તાનની એક માત્ર 13 વર્ષીય છોકરાની છે. આ છોકરો કાબૂલ એરપોર્ટ પર ગયો હતો અને તેને જવું હતું ઈરાન, પણ તે દિલ્હી આવતી ફ્લાઈટમાં બેસી ગયો અને દિલ્હીમાં ટર્મિનલ ત્રણના અધિકારીઓએ તેને પ્રતિબંધિત એરિયામાં ફરતો જોયો. તેને પૂછતાછ કરતા જાણવા મળ્યું કે છોકરો ઈરાન જવા માટે ઘરેથી કહ્યા વિના નીકળ્યો હતો, પરંતુ ભૂલથી દિલ્હી પહોંચી ગઈ છે.
90 મિનિટ સુધી પૈડાં પર બેઠો
અહેવાલો અનુસાર આ છોકરો કેએએમ એયરના ફ્લાઈટ નંબર આરક્યુ 4401માં પ્લેનના પાછળના પૈડાના ઉપરના હિસ્સા પર બેઠો હતો. કાબૂલથી દિલ્હી આવવામાં આ ફ્લેનને 94 મિનિટનો સમય લાગે છે. ફ્લાઈટ સવારે 8.46 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. આ સમગ્ર ઘટનામાં કાબૂલ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી પણ ધ્યાને આવી હતી.
છોકરાના કહેવા અનુસાર તે પ્રવાસીઓની પાછળ પાછળ ગયો અને વિમાનમાં ચડતા સમયે હ્વીલ વેલમાં છુપાઈ ગયો. જોકે તે સગીર હોવાથી તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, તેમ જાણવા મળ્યું છે.
શું કહે છે નિષ્ણાતો
આ ઘટના બાદ એવિયેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિષ્ણાતો જણાવે છે કે આ રીતે હવામાં રહેવું શક્ય નથી. અહીં ઑક્સિજન લેવલ ઘણું જ ઓછું હોય છે અને ખૂબ જ ઠંડુ વાતાવરણ પણ હોય છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર ટેકઓફ પછી, વ્હીલ બેનો દરવાજો ખુલે છે, વ્હીલ અંદર જાય છે, અને દરવાજો બંધ થાય છે. તે કદાચ આ બંધ જગ્યામાં ઘુસી ગયો હશે, જ્યાં દબાણ વધારે હોય છે અને તાપમાન પેસેન્જર કેબિન જેવું જ હોય છે. આથી શક્ય છે કે આ છોકરો આ રીતે બચી ગયો હોય.
ભારતીય એરપોર્ટ પરનો આ પ્રકારનો આ બીજો કિસ્સો છે. આ પહેલા બે ભાઈઓ, પ્રદીપ સૈની (22) અને વિજય સૈની (19) દિલ્હીથી લંડન જતી બ્રિટિશ એરવેઝ બોઇંગ 747 વિમાનના વ્હીલબેઝમાં છુપાયા હતા. રણદીપ બચી ગયો, પરંતુ વિજયનું લંડન પહોંચતા જ મૃત્યુ થયું હતું.
આપણ વાંચો: યુએસના H-1B વિઝા સામે ચીને રજુ કર્યા K-વીઝા! જાણો શું છે ખાસિયત