સંરક્ષણ દળ માટે ૯૭ ‘તેજસ’ વિમાન, ૧૫૬ ‘પ્રચંડ’ હેલિકૉપ્ટર ખરીદાશે
નવી દિલ્હી: દેશના સંરક્ષણ દળોને અત્યાધુનિક બનાવીને તેની ક્ષમતામાં અનેક ગણો વધારો કરવા માટે ૯૭ ‘તેજસ’ હળવા યુદ્ધ વિમાન, લડાઇમાં ઉપયોગી બહુહેતુલક્ષી ૧૫૬ ‘પ્રચંડ’ હેલિકૉપ્ટર ખરીદવા સહિતના રૂ. ૨.૨૩ લાખ કરોડના પ્રૉજેક્ટ્સને ગુરુવારે પ્રાથમિક મંજૂરી અપાઇ હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આ પ્રકલ્પોને બહાલી આપી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળો માટે કરવામાં આવનારી આ ખરીદીમાંની ૯૮ ટકા સંરક્ષણ ક્ષેત્રના સ્થાનિક ઉદ્યોગો (ઇન્ડસ્ટ્રીઝ) પાસેથી જ કરાશે. ભારત સંરક્ષણ ક્ષેત્રે ઝડપી સ્વાવલંબી બની રહ્યું છે.
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ‘સુખોઇ-૩૦’ વિમાનોને સરકારી માલિકીની ઍરૉસ્પેસ કંપની હિંદુસ્તાન ઍરૉનૉટિક્સ લિમિટેડની મદદથી અપગ્રેડ કરવાની ભારતીય હવાઇ દળની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી.
ટેન્કવિરોધી કામગીરી માટે ઍરિયા ડિનાયલ મ્યુનિશન ટાઇપ-ટૂ અને ટાઇપ-થ્રીની ખરીદી માટે પણ બહાલી અપાઇ હતી.
ટી-૯૦ ટેન્ક માટે ડિજિટલ બેસેલ્ટિક કમ્પ્યૂટર અને ઑટૉમેટિક ટાર્ગેટ ટ્રેકર તેમ જ જહાજ-વિરોધી અને મધ્યમ અંતરે આવેલા લક્ષ્યને સાધવા માટેના મિસાઇલની ખરીદી પણ કરાશે. આ મિસાઇલ્સ ભારતીય નૌકાદળ માટે ગોઠવાશે.
ભારતીય હવાઇદળ માટેના ‘એમકે-વનએ’ હળવા યુદ્ધ વિમાનો હિંદુસ્તાન ઍરૉનૉટિક્સ લિમિટેડની પાસેથી ખરીદવામાં આવશે.
અગાઉ, સંરક્ષણ મંત્રાલયે ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં હિંદુસ્તાન ઍરૉનૉટિક્સ લિમિટેડની પાસેથી રૂપિયા ૪૮,૦૦૦ કરોડના ખર્ચે ૮૩ ‘તેજસ’ એમકે-વનએ જેટ ખરીદવા કરાર કર્યા હતા.
પૂર્વ લદાખ અને અરુણાચલ પ્રદેશને લઇને ચીનની સાથે વર્ષોથી ચાલી રહેલી મડાગાંઠ તેમ જ પાકિસ્તાનની સાથેના કડવા સંબંધને ધ્યાનમાં રાખીને ભારતના સરહદ વિસ્તારે સશસ્ત્ર દળોને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરાઇ રહ્યા છે તેમ જ સીમા વિસ્તારમાં આંતરિક માળખાકીય સુવિધા વધારવામાં આવી રહી છે. (એજન્સી)