2024ની લોકસભા ચૂંટણીમાં 96 કરોડ મતદાતાઓ આપશે વોટ : ચૂંટણી પંચની રિપોર્ટ
નવી દિલ્હી: દેશમાં ગણતરીના દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા મતદાન માટે પાત્ર મતદાતાઓની યાદી જાહેર કરી હતી. યાદી મુજબ આ વર્ષની ચૂંટણીમાં 96 કરોડ મતદાતાઓ મતદાન કરશે, જેમાં 47 કરોડ જેટલી મહિલાઓનો પણ સમાવેશ છે. લોકસભા ચૂંટણી વખતે દેશમાં કુલ 12 લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવશે એવી માહિતી અધિકારીએ આપી હતી.
દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં આ વર્ષની ચૂંટણીમાં 1.73 કરોડ જેટલા મતદાતાઓ 18 અને 19 વર્ષની ઉંમરના યુવાનો છે. ચૂંટણીના દિવસે દેશના અલગ અલગ વિસ્તારમાં 1.5 જેટલા મતદાન કર્મચારીઓને પણ તહેનાત કરવામાં આવશે એવી માહિતી ભારતીય ચૂંટણી પંચના રિપોર્ટમાં આપવામાં આવી છે.
વર્ષ 2023માં ચૂંટણી પંચ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં 1951માં 17.32 કરોડ મતદાતાઓની નોંધણી કરવામાં આવી હતી. આ સંખ્યા 1957માં વધીને 19.37 કરોડ પહોંચી ગઈ હતી. 2019માં મતદાતાઓની સંખ્યા 91.20 કરોડ નોંધવામાં આવી હોવાની માહિતી આ પત્રમાં આપવામાં આવી હતી.
ભારતીય ચૂંટણી પંચની યાદીમાં લગભગ 18 લાખ જેટલા મતદાતાઓ દિવ્યાંગ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તેમ જ ભારતમાં યોજવામાં આવેલી પહેલી લોકસભામાં 45 ટકા મતદાનની નોંધણી કરવામાં આવી હતી, અને 2019ની ચૂંટણીમાં મતદાન 67 ટકા નોંધવામાં આવ્યું હતું.