મુંબઇ: શેરબજારમાં બુધવારના સત્રમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૩.૪૭ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીના તીવ્ર દબાણ વચ્ચે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટથી વધુ તૂટીને ૭૩,૦૦૦ના સ્તરની નીચે અને નિફ્ટી ૨૨,૦૦૦ની નીચે સરકી ગયો હતો. આને પરિણામે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના બજારમૂલ્યમાં રૂ. ૧૩.૪૭ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
સત્રને અંતે સેન્સેક્સ ૯૦૬.૦૭ પોઈન્ટ અથવા ૧.૨૩ ટકા ઘટીને ૭૨,૭૬૧.૮૯ પોઇન્ટની સપાટીએ અને એનએસઇનો નિફ્ટી ૩૩૮ પોઈન્ટ અથવા ૧.૫૧ ટકા ઘટીને ૨૧,૯૯૭.૭૦ પર સ્થિર હતો. સ્મોલ કેપ અને મિડ કેપ સેગમેન્ટ ઉપરાંત, યુટિલિટી, એનર્જી અને મેટલ સેગમેન્ટના શેરોમાં પણ ભારે વેચવાલી અને ધોવાણ જોવા મળ્યું હતું. બીએસઇના તમામ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા.