
નવી દિલ્હીઃ વર્ષ 2016માં આજના દિવસે એટલે કે 8 નવેમ્બરના રોજ રાત્રે 8 કલાકે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને નોટબંધીની જાહેરાત કરી હતી. નોટબંધીના આજે 9 વર્ષ થયા છે. પીએમ મોદીએ તે સમયે રૂપિયા 500 અને રૂપિયા 1000ની નોટ બંધ કરવાની જાહેરાત કરતાં દેશમાં ખળભળાટ મચી ગયો હતો.
પ્રથમ વખત બહાર પાડવામાં આવી હતી રૂપિયા 2000ની નોટ
નોટબંધીની જાહેરાત વખતે બ્લેક મની, આતંકી ફંડ અને નકલી કરન્સી પર લગામ લાગશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. નોટબંધીના આટલા વર્ષ બાદ પણ બ્લેક મની અંગેની ચર્ચા થઈ રહી છે. 2016માં પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરતાં જ તમામ લોકો હચમચી ગયા હતા. આ ઉપરાંત 2000 રૂપિયાની નોટ પ્રથમ વખત બહાર પાડવામાં આવી હતી.
દિવસો સુધી બેંકોમાં લોકોની લાઇન જોવા મળી હતી
આ સમયે બજારમાં કેશ ફ્લો વધે તે માટે રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. જોકે તેમ છતાં દિવસો સુધી લોકો કેશ માટે બેંકો અને એટીએમ બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. નકલી ચલણી નોટો, બ્લેક મની અને આતંકી ફંડ પર ગાળિયો ભીંસવાના ઇરાદાથી કરવામાં આવેલ નોટબંધીનો હેતુ સફળ થયો કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે. કારણકે બંધ કરવામાં આવેલી આશરે 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.31 લાખ કરોડ રૂપિયા બેકિંગ સિસ્ટમમાં પરત આવી ગયા છે. એટલે કે 99 ટકાથી વધારે રૂપિયા વ્હાઈટ થઈ ગયા છે. નકલી નોટોનું પ્રમાણ ઓછું ચોક્કસ થયું છે પરંતુ સંપૂર્ણ ખતમ થયું નથી.
નોટબંધીથી વધ્યું ડિજિટલ પેમેન્ટનું ચલણ
જોકે નોટબંધી બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે, જેને નોટબંધીની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવવામાં આવે છે. આજે મોટાભાગના લોકો ડિજિટલ પેમેન્ટથી લેણ-દેણ કરે છે. યુપીઆઈ દ્વારા રોજના આશરે 14 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થાય છે. જે 2016ની તુલનામાં 1000 ગણા વધારેછે. નોટબંધી વખતે દેશમાં બહુ ઓછા લોકો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા પરંતુ આજે રેંકડીધારકથી લઈ લગભગ તમામ લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે.
નોટબંધીના કારણે દેશમાં રોકડની અછતના કારણે તમામ વર્ગો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા હતા. નોટબંધીના એક વર્ષની અંદર જ ડિજિટલ ઇકોનોમીને વેગ મળ્યો હતો. જોકે નોટબંધીના કારણે નાના ઉદ્યોગો, કેશ પર આધારિત સેકટર અને ગ્રામીણ અર્થતંત્રને મોટો ઝટકો લાગ્યો હતો. નાના ઉદ્યોગોને પાટા પર આવતા વર્ષો લાગી ગયા હતા.



