
નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તેની મોદી સરકારે આજે જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આજે બજેટ પૂર્વે આઠમા પગાર પંચની(8th Pay Commission)રચનાની જાહેરાત કરી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીની અધ્યક્ષતા મળેલી કેબિનેટની બેઠકમાં લીધેલા નિણર્ય અંગે માહિતી આપતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજની કેબિનેટ બેઠકમાં આઠમા પગાર પંચની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આયોગ આગામી વર્ષ 2026 સુધી તેનો અહેવાલ રજૂ કરશે.
ચેરમેન અને બે સભ્યોના નામ પણ ટૂંકમાં જાહેર કરાશે
આ અંગે મળતી માહિતી અનુસાર આઠમા પગાર પંચની રચના પહેલા રાજ્ય સરકારો, પીએસયુ વગેરે પાસેથી સલાહ લેવામાં આવશે. આઠમા પગાર પંચના ચેરમેન અને બે સભ્યોના નામ પણ ટૂંકમાં જાહેર કરવામાં આવશે.આ ઉપરાંત
7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. જ્યારે 8મા પગાર પંચનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2026 થી શરૂ થાય તેવી શકયતા છે.
કેન્દ્રીય કર્મચારી સંગઠનો કરી રહ્યા હતા માંગ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કર્મચારીઓ અને તેમના સંગઠનો લાંબા સમયથી આઠમા પગાર પંચની રચનાની માંગ કરી રહ્યા હતા. જોકે, સરકારે સ્પષ્ટતા કરી હતી કે તે હાલમાં આવો કોઇ વિચાર નથી કરી રહી. જોકે, આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપીને કર્મચારીઓ અને પેન્શનરોને ખુશખબરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ, જાણો શું છે શિડ્યૂલ
આ ઉપરાંત આઠમા પગાર પંચની રચના સાથે અનેક અટકળોનો અંત આવ્યો છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે પે પેનલ સિસ્ટમનો અંત લાવીને એક નવી પદ્ધતિ અમલમાં મૂકી શકે છે.