ભારતના UPIએ ચીન-અમેરિકાને પણ છોડ્યું પાછળ: ત્રણ મહિનામાં થયા 81 લાખના વ્યવહારો!
નવી દિલ્હી: યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા એપ્રિલથી જુલાઇ સુધીના ગાળામાં અધધધ 81 લાખ રૂપિયાથી પણ વધુની લેણદેણ થઈ છે. જેમાં વાર્ષિક 37 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં જ ગ્લોબલ પેમેન્ટ્સ હબ પેસિક્યોર (Payscure) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર UPI દ્વારા પ્રતિ સેકન્ડ 3,729.1 જેટલા વ્યવહારો થાય છે. 2022 માં આ આંક પ્રતિ સેકન્ડ 2,348 વ્યવહારનો હતો. આ દરમિયાન જ યુપીઆઈ દ્વારા થતાં વ્યવહારોમાં 58 ટકાનો વધારો નોંધાયો છે.
આંકડાઓ અનુસાર યુપીઆઈ વ્યવહારોની સંખ્યાના મામલે ભારત ચીનના અલીપે (Alipay), અમેરિકાના પેપલ (PayPal) અને બ્રાઝિલના પિક્સ(Pix)થી ઘણું આગળ નીકળી ચૂક્યું છે. જુલાઇમાં યુપીઆઈ દ્વારા કુલ 20.6 લાખ કરોડના વ્યવહારો થયા હતા, જે અત્યાર સુધીમાં નોંધાયેલો UPI વ્યવહારોનો સૌથી મોટો આંકડો હતો. આ સિવાય યુપીઆઈથી થનાર વ્યવહારનું કુલ મૂલ્ય સતત ત્રણ મહિનાથી 20 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ચૂકી છે.
આ પણ વાંચો : વડા પ્રધાન મોદી આજે 3 વંદે ભારત ટ્રેનનું ફ્લેગ ઓફ કરશે, આ રાજ્યોને મળશે લાભ…
Payscure દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ વિશ્વના ટોચના વૈકલ્પિક ચુકવણીની પદ્ધતિઓમાંથી 40ની તપાસ કર્યા બાદ આપવામાં આવ્યા છે. પેસિક્યોરના ડેટા અનુસાર ડિજિટલ ચુકવણીની બાબતે ભારત ટોચના સ્થાને છે કે જ્યાં લગભગ 40 ટકા જેટલી ચુકવણીઓ ડિજિટલ રીતે કરવામાં આવે છે. ડિજિટલ ચુકવણી માટે સૌથી વધુ UPIનો ઉપયોગ કરવામાં આવે છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના સીઈઓ દિલીપ આસબેએ જણાવ્યું હતું કે ક્રેડિટ ગ્રોથની સાથે આગામી 10 થી 15 વર્ષમાં UPI દ્વારા વ્યવહારોની સંખ્યા 100 અબજ સુધી પહોંચવાની સંભાવના છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે અમારું લક્ષ્ય UPI અને RuPay કાર્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા પર છે અને આ માટે વિદેશમાંથી પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
આ અઠવાડિયે મુંબઈમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’માં પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે UPI વિદેશમાં લઈ જવું, આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારીઓ દ્વારા UPI QR કોડ દ્વારા ચૂકવણીને સ્વીકાર કરવો અને ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ માટે UPIને અન્ય દેશોની પેમેન્ટ સિસ્ટમ્સ સાથે જોડવું એ અમારી મુખ્ય પ્રાથમિકતા છે..