નેશનલ

જ્ઞાનવાપીમાં ૭૯ દિવસનો સર્વે પૂર્ણ: ૧૫ દિવસમાં રિપોર્ટ

વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જિલ્લા અદાલતના આદેશ હેઠળ જ્ઞાનવાપી મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે. આ સર્વે એટલા માટે હાથ ધરવામાં આવ્યો હતો કારણકે કેટલાક અરજદારોનું કહેવું હતું કે આ મસ્જિદ હિન્દુ મંદિરની ઉપર આવેલી છે. ત્યારે સર્વે ટીમ ૭૯ દિવસ સુધી જ્ઞાનવાપી સંકુલનો સર્વે કર્યા બાદ ગુરુવારે પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો અને આ રિપોર્ટને ૧૭મી નવેમ્બરે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આમ તો આ રિપોર્ટ ત્રણ નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતુ, ટીમે અભ્યાસ રિપોર્ટ તૈયાર કરવા માટે ૧૫ દિવસનો વધારાનો સમય માંગ્યો હતો. વારાણસી ડીએમએસ રાજલિંગમે જણાવ્યું હતું કે અધિકારીઓ તેમના તમામ સાધનો લઇને પરિસરમાંથી નીકળી ગયા હતા.

કેન્દ્ર સરકારના વકીલ અમિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એએસઆઇની ટીમ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે જિલ્લા
અદાલતે રિપોર્ટ સબમિટ કરવા માટે ૧૫ દિવસ વધારાના સમયની વિનંતી કોર્ટને કરી હતી જે કોર્ટે સ્વીકારી હતી. વકીલે કહ્યું કે કોર્ટે પણ એ બાબત સ્વીકારી હતી કે સર્વેનું કામ ખરેખર અઘરું અને જવાબદારી વાળું હતું આથી એએસઆઈને સર્વેક્ષણ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ, અન્ય ડેટા અને તથ્યોનું વિશ્ર્લેષણ પૂર્ણ કરવા માટે સમય આપવો યોગ્ય રહેશે. નોંધનીય છે કે સર્વેની માંગણી સાથે ૧૬ મેના રોજ અરજી દાખલ કરનાર ચાર મહિલા વાદીઓના વકીલ વિષ્ણુ જૈને આ પગલાને આવકાર્યું હતું. વિષ્ણુ જૈને ખાસ કહ્યું હતું કે ૧૭ નવેમ્બર એ ઐતિહાસિક દિવસ હશે જ્યારે એએસઆઇ પોતાનો રિપોર્ટ સોંપશે. અરજદારોએ પોતાની અરજીમાં જ્ઞાનવાપી પરિસરમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની પૂજા કરવાનો અધિકાર માંગ્યો છે.

૨૧ જુલાઈએ વારાણસી જ્ઞાનવાપી સંકુલમાં વિવાદિત વજુખાના સિવાય સમગ્ર મસ્જિદ સંકુલનો સર્વે કરવાનો આદેશ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કર્યો હતો. જેમાં કોર્ટે સાયન્ટિફિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. એએસઆઇની ટીમ ૨૪ જુલાઈએ વારાણસી પહોંચી અને સર્વેની કામગીરી શરૂ કરી હતી. જિલ્લા કોર્ટના આદેશને અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ અરજીની સુનાવણી કરવાનો આદેશ હાઈ કોર્ટને આપ્યો હતો. અને ત્રણ ઑગસ્ટે હાઈ કોર્ટે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી હતી અને સર્વેની કામગીરી યથાવત્ રાખી હતી. ત્યારબાદ એએસઆઇની ટીમે ચાર ઑગસ્ટથી ફરી સર્વેની કામગીરી હાથ ધરી હતી.

જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં ૨૦૨૨માં પ્રથમ વખત જિલ્લા અદાલતે એડવોકેટ કમિશનરની આગેવાની હેઠળ સર્વેની કામગીરી હાથ ધરવા આદેશ કર્યો હતો. સર્વે દરમિયાન જ્ઞાનવાપી સંકુલના વજુખાનામાંથી શિવલિંગ જેવો આકાર મળી આવ્યો હતો. હિન્દુ અરજદારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તે શિવલિંગ છે. અને અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ તેને તળાવમાં સ્થાપિત ફક્ત એક ફુવારો ગણાવી રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button