પૂરપાટ વેગે જતી ટ્રકે ઊભેલી વેનને અડફેટે લેતા 7 મહિલાના મોત
તિરુપત્તુરઃ તમિલનાડુના તિરુપત્તુર જિલ્લાના નત્રમપલ્લીમાં નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. હાઇવે પર એક પૂરઝડપે આવતી ટ્રકે ટેમ્પો ટ્રાવેલર (મીની વેન)ને ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો. ટક્કર માર્યા બાદ વેન રોડના કિનારે બેઠેલી મહિલાઓ પર ચડી ગયો હતો, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, જે વેને ફૂટપાથ પર બેઠેલા સાત લોકોને કચડી નાખ્યા હતા તે આ જ લોકોને લઈને જઈ રહી હતી. આ મહિલાઓ કર્ણાટકથી પરત ફરી રહી હતી. જો કે, રસ્તામાં વેનનું ટાયર પંકચર થઈ જવાના કારણે તેઓ બધા વેનમાંથી નીચે ઉતરીને ફૂટપાથ પર બેસી ગયા હતા. એ સમયે એક ઝડપી લારીએ ઉભી રહેલી વેનને પાછળથી ટક્કર મારી હતી, પરિણામે વેન ફૂટપાથ પર બેઠેલી મહિલાઓ પર પડી હતી.
વેનના વજનના કારણે એમાંની ઘણી મહિલાઓ તેની નીચે કચડાઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં ટ્રક ચાલક સહિત 13 લોકો ઘાયલ પણ થયા હતા, જેમને સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતા જ આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતનો ભોગ બનેલા 10 લોકોને બહાર કાઢ્યા હતા.
નેત્રમપલ્લીમાં આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ એમ. મીના (50), ડી. દેવયાની (32), પી. સૈત્તુ (55), એસ. દેવિકા (50), વી. સાવિત્રી (42), કે. કલાવતી (50) અને આર. ગીતા (34) તરીકે થઇ છે. આ અંગે નેત્રમપલ્લી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.