નેશનલ

બેંગલૂરુની ૬૮ સ્કૂલને મળી બૉમ્બની ધમકી

ઈમેલને પગલે સ્કૂલોમાં અફરાતફરી: બૉમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ ઘટનાસ્થળે

બેંગલૂરુ: બેંગલૂરુમાં ૬૮ જેટલી સ્કૂલને શુક્રવારે બૉમ્બની ધમકી આપતો ઈમેલ મળ્યો હોવાનું જણાવતાં પોલીસે કહ્યું હતું કે ઈમેલને પગલે સ્કૂલના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

સ્કૂલના વહીવટકર્તાઓએ તાબડતોબ પોલીસને આ અંગે જાણ કરી હતી.

જાણ થતાં જ પોલીસ બૉમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડ અને ભાંગફોડ વિરોધી ટીમ સાથે સંબંધિત સ્કૂલોમાં પહોંચી હતી અને આ ધમકી અફવા પણ હોઈ શકે એવા સંકેત આપ્યા હતા.
ઈમેલ અને તેનાં સ્રોતની ગંભીરતાથી ચકાસણી કરવા અને સુરક્ષાનાં ભાગરૂપ રાજ્યની સ્કૂલો અને મંદિરોને પૂરતી સુરક્ષા પૂરી પાડવાનું કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયાએ પોલીસને કહ્યું હતું.
બેંગલૂરુની સ્કૂલોમાં બૉમ્બ મુકવામાં આવ્યા છે અને બાળકો અને કર્મચારીઓને મારી નાખવામાં આવશે એવી ધમકી આપતો સંદેશો
ચોક્કસ ઈમેલ આઈડી પરથી આવ્યો હોવાનું રાજ્યના ગૃહ ખાતાના પ્રધાન જી. પરમેશ્ર્વરે કહ્યું હતું.

અમે ગંભીરતાથી આ ઈમેલ અને તેનાં સ્રોતની ચકાસણી કરી રહ્યા છીએ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ અંગે મેં કમિશનર તેમ જ અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે અને આ ઈમેલની તેમ જ તેનાં સ્રોતની ચકાસણી કરી તે સાચો છે કે માત્ર અફવા છે તેની તપાસ કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.

આ ઈમેલ પાછળ કોનો હાથ છે તે શોધી કાઢવાના પ્રયાસ અમે કરી રહ્યા છીએ અને જો કોઈ આતંકવાદી સંગઠનનો આમાં હાથ હશે તો એ મુજબ યોગ્ય પગલાં લેવામાં આવશે.
જોકે હાલને તબક્કે આ ઈમેલ પાછળ કોનો હાથ છે એ કહી શકાય એમ ન હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ઈમેલના સંદેશામાં લોકોને ધર્મપરિવર્તન કરવા સહિત અન્ય બાબતો જણાવવામાં આવી છે અને તેની યોગ્ય તપાસ તેમ જ ચકાસણી કરવામાં આવશે.

જે ૬૮ સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે તેમાંની ૪૮ સ્કૂલ શહેરી વિસ્તારમાં અને બાકીની ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે, એમ પોલીસે કહ્યું હતું.

ઈમેલ અંગે જાણ થતાં જ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સ્કૂલમાંથી બહાર લઈ જઈ અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

જોકે, સ્કૂલના પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાને કારણે આ ઈમેલ માત્ર અફવા હોવાનું જણાઈ રહ્યું છે, એમ પોલીસે કહ્યું હતું.

પોલીસ કમિશનર બી. દયાનંદે કહ્યું હતું કે આ તમામ સ્કૂલોમાં બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્કવોડ મોકલવામાં આવી હતી. અગાઉ પણ આ રીતના ધમકીભર્યા ફોન તેમ જ ઈમેલ મળ્યા હતા જે અંતે અફવા પુરવાર થયા હતા અને તેની પાછળ જેનો હાથ હતો તેમને ઓળખી કાઢી પકડી પાડવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.

શુક્રવારે મળેલા ઈમેલની પણ પોલીસ તપાસ કરી રહી છે. અધિકારીઓ તમામ સ્થળે જઈ ચકાસણી કરી રહ્યા છે એમ જણાવી તેમણે લોકોને ચિંતા ન કરવાની અપીલ કરી હતી.

અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટુકડીને કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. પ્રથમદર્શી રીતે આ સંદેશો અફવા હોવાનું જણાઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

આ મામલે અમે કેસ નોંધવાની પ્રક્રિયા આરંભી દીધી છે અને કેસને મામલે સઘન તપાસ ચાલી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

ઈમેલની ધમકી મળે એ અગાઉ બાળકો સ્કૂલે પહોંચી ગયા હતા. ઈમેલ અંગે જાણ થતાં ચિંતાગ્રસ્ત વાલીઓ બાળકોને સુરક્ષિત રીતે ઘરે લઈ જવા સ્કૂલોમાં પહોંચ્યા હતા.
દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે પણ આવી એક સ્કૂલની મુલાકાત લીધી હતી અને સ્કૂલના વહીવટકર્તાઓ અને પોલીસ પાસેથી જાણકારી મેળવી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker