બીજા તબક્કામાં ૮૮ બેઠક માટે ૬૪.૩૫ ટકા મતદાન
મતદાનનો ઉત્સાહ : બેંગલૂરુના રાજેશ્ર્વરીનગર-સ્થિત મતદાન મથક ખાતે મતદારોએ મતદાન કરવા લાઈન લગાડી
હતી. (એજન્સી)
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૩ રાજ્યની ૮૮ બેઠક માટે શુક્રવારે સરેરાશ ૬૪.૩૫ ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાની ચૂંટણીમાં વાયનાડ લોકસભા બેઠકનો પણ સમાવેશ થતો હતો. આ બેઠક પરથી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત બીજીવાર ચૂંટણી લડી રહ્યા હતા. કેરળની તમામ ૨૦ બેઠક, કર્ણાટકની ૨૮માંથી ૧૪, રાજસ્થાનની ૧૩, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકની આઠ, મધ્ય પ્રદેશની છ, આસામ અને બિહાર પ્રત્યેકની પાંચ, છત્તીસગઢ અને પ. બંગાળ પ્રત્યેકની ત્રણ તેમ જ મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકની એક બેઠક માટે શુક્રવારે મતદાન થયું હતું. બીજા તબક્કામાં આમ તો ૮૯ બેઠક માટે મતદાન થવાનું હતું, પરંતુ મધ્ય પ્રદેશની બેતુલ બેઠક પર બહુજન સમાજવાદી પક્ષના ઉમેદવારનું અવસાન થતાં હવે ત્યાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં ૧.૬૭ લાખ મતદાન કેન્દ્ર પર ૧૮ લાખ કરતા પણ વધુ મતદાન અધિકારીઓને ગોઠવવામાં આવ્યા હતા. આ તબક્કામાં ૧૫.૮૮ કરોડ કરતા પણ વધુ મતદાતા હતા જેમાં ૮.૦૮ કરોડ પુરુષ અને ૭.૮ કરોડ મહિલા ઉપરાંત ૫૯૨૯ તૃતીયપંથી મતદાતાઓનો સમાવેશ થતો હતો. ૩૪.૮ લાખ પ્રથમ વારના જ મતદાતા હતા તો ૨૦થી ૨૯ની વયજૂથના ૩.૨૮ કરોડ મતદાતા. ગરમી અને લૂને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે બિહારના ચાર લોકસભા મતદારક્ષેત્રમાં મતદાન કેન્દ્ર પર મતદાનનો સમય વધારી દેવામાં આવ્યો હતો.
બીજા તબક્કાની ચૂંટણીમાં ૧૨૦૨ ઉમેદવાર મેદાનમાં હતા જેમાં ૧૦૯૮ પુરુષ અને ૧૦૨ મહિલાનો સમાવેશ થતો હતો.
સાંજે પાંચ વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા
આસામ (૭૦.૬૬ ટકા), બિહાર (૫૨.૧૩ ટકા), છત્તીસગઢ (૭૨.૧૩ ટકા), જમ્મુ-કાશ્મીર ((૬૭.૨૨ ટકા), કર્ણાટક (૬૩.૯૦ ટકા), કેરળ (૬૩.૯૭ ટકા, મધ્ય પ્રદેશ (૫૪.૯૨ ટકા), મહારાષ્ટ્ર (૫૩.૫૧ ટકા), મણિપુર (૭૬.૦૬ ટકા), રાજસ્થાન (૫૯.૧૯ ટકા), ત્રિપુરા (૭૬.૨૩ ટકા), ઉત્તર પ્રદેશ (૫૨.૬૪ ટકા), પ. બંગાળ (૭૧.૮૪ ટકા).
મુખ્ય ઉમેદવારોમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (ઉત્તર પ્રદેશ), કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ) અને શશી થરૂર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડી. કે. સુરેશ (કૉંગ્રેસ), કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી (જેડીએસ)નો સમાવેશ થતો હતો.
કેરળના વાયનાડની બેઠક પર રાહુલ ગાંધીની સામે ભાજપના કે. સુરેન્દ્રન અને સામ્યવાદી પક્ષના એની રાજા ચૂંટણીમાં ઊભા હતા. કેન્દ્રના પ્રધાન રાજીવ ચંદ્રશેખરનો તિરુવનંતપુરમ બેઠક પર મુકાબલો કૉંગ્રેસના શશી થરૂરની સાથે થયો હતો.
જમ્મુની લોકસભાની બેઠક પર ભાજપના જુગલ કિશોર અ
ને કૉંગ્રેસના રમણ ભલ્લા ચૂંટણી લડ્યા હતા. કોટામાંથી બે વખત સાંસદ બનેલા ઓમ બિડલાની સામે કૉંગ્રેસના પ્રહ્લાદ ગુંજલ ઊભા હતા. જોધપુરમાં કેન્દ્રના પ્રધાન શેખાવતથી ચૂંટણી લડી રહ્યા હતા. (એજન્સી)