રાજીવ ગાંધીની સરકારમાં 63 સાંસદને સસ્પેન્ડ કર્યા હતા, જાણો ઈતિહાસ
નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભામાં આજે વિપક્ષના 78 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 33 સાંસદ લોકસભા અને 45 રાજ્યસભાના હતા. ભારતીય સંસદના ઈતિહાસમાં આ અગાઉ ડઝનથી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની સરકારના કાર્યકાળમાં સૌથી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 1989માં જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે કોંગ્રેસની પાસે પણ મોટી બહુમતી હતી, ત્યારે સરકારે એકસાથે 63 સાંસદને સસ્પેન્ડ કર્યાં હતા.
1989માં જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે 63 સાંસદોને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં સાંસદોએ ઠક્કર કમિશનના રિપોર્ટનો વિરોધ કર્યો હતો. ઠક્કર કમિશને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાની તપાસનો હતો. એ વખતે તેના પર સાંસદોએ ધમાલ કરી ત્યારે સાંસદોને સસ્પેન્ડ કરવાની સાથે વધુ ચાર સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. એના 2013માં તત્કાલીન સ્પીકર મીરા કુમારે 12 સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કર્યાં હતા.
આ સિવાય 10 વર્ષના મોટા સસ્પેન્સમાં 26 જુલાઈ, 2022માં 19 સાસંદોને સંસદના પૂરા સત્ર માટે સસ્પેન્ડ કર્યાં હતા. 29 નવેમ્બર 2021માં રાજ્યસભાના 12 સાંસદ, 21મી સપ્ટેમ્બરે 2020ના આઠ સાંસદ, પાંચમી માર્ચ, 2020માં કોંગ્રેસના સાત સાંસદને પૂરા બજેટ સત્ર માટે સસ્પેન્ડ કર્યાં હતા. નવેમ્બર 2019માં કોંગ્રેસના બે સાંસદને સસ્પેન્ડ કર્યાં હતા, જ્યારે એના પૂર્વે જાન્યુઆરી 2019માં તત્કાલીન સ્પીકર સુમિત્રા મહાજને ટીડીપી અને એઆઈડીએમકેના 45 સાંસદને સસ્પેન્ડ કર્યાં હતા. ઓગસ્ટ 2015માં 25 સાંસદને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કર્યાં હતા.
લોકસભામાં જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાંથી 30 સંસદના સંપૂર્ણ શિયાળુ સત્ર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકી ત્રણ કે જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિકની વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે નહીં, ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ત્રણેય સામે સ્પીકરના પોડિયમ પર ચઢીને સૂત્રોચ્ચાર કરવાનો આરોપ છે.
એ જ રીતે રાજ્યસભામાં જે 45 સાંસદને સસ્પેન્ડ કર્યા છે, જેમાં 34ને પૂરા સત્ર અને અગિયારને વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી સસ્પેન્ડ કર્યાં છે. અત્યાર સુધીમાં બંને સદનના કુલ 92 સાંસદને સસ્પેન્ડ કર્યાં છે, જેમાં 13 લોકસભા અને 46 રાજ્યસભાના સાંસદ છે. એકસાથે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી વિપક્ષ આક્રમક વલણ અપનાવ્યું છે, જેમાં કોંગ્રેસ, ટીએમસી સહિત અન્ય પક્ષના સાંસદોએ એક્સ (સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ) પર કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.