ઇઝરાયલ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પર ૬૦૦ હુમલા
ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી જંગનો આજે ૨૪મો દિવસ છે. આ દરમિયાન યહુદી દેશે ગાઝા પટ્ટી પર જમીની હુમલાઓ પણ વધારી દીધા છે. ઇઝરાયલે તેની ટેંકોને ગાઝાના બહારના વિસ્તારમાં ઘુસાડી દીધી છે. એક બાજુ આકાશમાંથી ઇઝરાયલ મિસાઇલો વરસાવી રહ્યું છે તો જમીન પરથી ટેંકનો મારો ચાલી રહ્યો છે. એટલું જ નહીં ઇઝરાયલ હૉસ્પિટલોને એમ કહીને નિશાન બનાવી રહ્યું છે કે, હમાસ તેનો તેના ઠેકાણા તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ગાઝાના તેલ અલ-હવા વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
ઇઝરાયલની સેનાના પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૨૪ કલાકમાં હમાસના ૬૦૦ ઠેકાણા પર હુમલાઓ કર્યા છે. આ ઉપરાંત ગાઝા શહેરના જાયતૂન જિલ્લામાં ઇઝરાયલી સેનાના ટેંક ધૂસ્યા છે. આ જિલ્લો બહારી વિસ્તારનો મોટો જિલ્લો છે અને હુમલાઓને લીધે તેનો સડકથી સંપર્ક જ તૂટી ગયો છે. આ હુમલાઓ બાદ સમગ્ર ગાઝા પર ખતરો તોળાઇ રહ્યો છે અને લોકો તેના જીવ બચાવવા અહીં-તહીં છૂપતા ફરી રહ્યા છે. એક સ્થાનિક નિવાસીએ જણાવ્યું કે, ઇઝરાયલની સેનાના હુમલાથી જાયતૂન જિલ્લા સાથે સંપર્ક તૂટી ગયો છે. હવે ત્યાં કોઇ ગાડી જઇ શકે તેમ નથી. જો કે ઇઝરાયલે ઘણી વાર ગાઝા પટ્ટી પર વસતા ૧૧ લાખ લોકોને ત્યાંથી નીકળવાની ચેતવણી આપી હતી.
ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે, અહીં રહેતા લોકો દક્ષિણી વિસ્તારોમાં જતા
રહે. જો કે ઇઝરાયલની સેના હવે ત્યાં પણ હુમલા કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગાઝા પટ્ટીમાંથી લાખો લોકો પલાયન કરી ગયા છે. પેલેસ્ટાઇન ઓથોરિટીના કહેવા પ્રમાણે ઇઝારયલના હુમલાઓમાં અત્યાર સુધીમાં ૮,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. જેમાં અડધાથી વધુ તો બાળકો હતા. આ બાજુ ઇઝરાયલનો દાવો છે કે તે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ હમાસના ખૂંખાર લડાકૂઓને મોતને ઘાટ ઉતારી ચૂક્યા છે.