કોણ છે એ 6 મહિલાઓ? કે જેણે સંભાળી PM મોદીનાં સોશિયલ મીડિયાની કમાન

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક અનોખી પહેલ કરીને દેશની છ મહિલાઓને પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન સોંપ્યું હતું. આ નિર્ણયથી વડા પ્રધાન મોદીએ મહિલા સશક્તિકરણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આ છ મહિલાઓએ પોતાની મહેનત, સંઘર્ષ અને સમર્પણ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નવી ઓળખ ઊભી કરી છે અને આજે તેઓ લાખો લોકો માટે પ્રેરણા બની છે.
તો ચાલો જાણીએ આ મહિલાઓ વિશે કે જેમણે 8 માર્ચનાં રોજ પીએમ મોદીના સોશિયલ મીડિયા હેન્ડલને સંભાળ્યા હતા. પીએમ મોદીના સોશિયલ મીડિયા હેન્ડલની જવાબદારી ચેન્નાઈથી વૈશાલી રમેશબાબુ, દિલ્હીથી ડૉ. અંજલિ અગ્રવાલ, નાલંદાથી અનિતા દેવી, ભુવનેશ્વરથી એલિના મિશ્રા, રાજસ્થાનથી અજયતા શાહ અને સાગરથી શિલ્પી સોનીને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: PM Modi નું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરવાની મહિલાઓને તક, કરવું પડશે આ કામ
કૃષિ ક્રાંતિ સર્જનાર ‘મશરૂમ લેડી’

‘બિહારની મશરૂમ લેડી’ તરીકે ઓળખ ધરાવતા અનિતા દેવીને આજે પીએમ મોદીનાં સોશિયલ મીડિયા હેન્ડલની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે 2016માં માધોપુર કિસાન ઉત્પાદક કંપનીની સ્થાપના કરી હતી. મશરૂમની ખેતી દ્વારા તેમણે પોતાના વિકાસની સાથે સાથે સેંકડો ગ્રામીણ મહિલાઓ માટે રોજગારની તકો પણ ઉભી કરી છે. આનાથી મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા અને આર્થિક સશક્તિકરણનો માર્ગ મોકળો થયો છે.
સંશોધન અને વિજ્ઞાનમાં મહિલાઓની ભાગીદારી

ઇસરો અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) માં કામ કરતાં વૈજ્ઞાનિકો એલિના મિશ્રા (Elina Mishra) અને શિલ્પી સોનીએ (Shilpi Soni) પીએમ મોદીના સોશિયલ મીડિયાને સંભાળ્યા હતા. અલીના પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં તેમના ક્રાંતિકારી સંશોધન માટે જાણીતી છે, જ્યારે શિલ્પી અવકાશ સંશોધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. બંને મહિલાઓએ વિજ્ઞાન ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને વધુ સશક્ત બનાવવાનો સંદેશ આપ્યો.
ગ્રામ્ય મહિલાઓમાં સશક્તિકરણનો પરચમ

ફ્રન્ટિયર માર્કેટ્સના સ્થાપક અને સીઈઓ અજયતા શાહે મહિલા સશક્તિકરણનાં ક્ષેત્રમાં નવી મિસાલ સ્થાપિત કરી છે. તેમણે 35,000 થી વધુ ડિજિટલી સક્ષમ મહિલા ઉદ્યોગસાહસિકોને ટ્રેનિંગ આપીને સશક્ત બનાવી છે. તેમની આ પહેલે હજારો મહિલાઓને સફળ ઉદ્યોગસાહસિક બનાવી છે.
દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ ઊભી કરી

ડૉ. અંજલિ અગ્રવાલ સમર્થ્યમ સેન્ટર ફોર યુનિવર્સલ એક્સેસિબિલિટીના સ્થાપક છે. ત્રણ દાયકાની કારકિર્દી સાથે તેમણે સમાવિષ્ટ ગતિશીલતા અને અવરોધ-મુક્ત માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમના પ્રયાસોએ ભારતભરમાં શાળાઓ અને જાહેર સ્થળોને અપંગ લોકો માટે વધુ સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ચેસ ગ્રાન્ડમાસ્ટરે પણ સંભાળી કમાન

એક પ્રતિભાશાળી ચેસ ખેલાડી વૈશાલીએ 6 વર્ષની ઉંમરથી જ ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરી રહી હતી. રમત પ્રત્યેના તેમના સમર્પણને કારણે તેમને 2023 માં ચેસ ગ્રાન્ડમાસ્ટરનો પ્રતિષ્ઠિત ખિતાબ મળ્યો હતો. તેણીએ મહિલા વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ 2024 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણી પોતાની વ્યૂહાત્મક પ્રતિભા અને દૃઢ સંકલ્પથી વૈશ્વિક મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું છે.