ચીનમાં ૬.૨ના ધરતીકંપથી ૧૨૭નાં મોત: ૭૦૦ ઘાયલ

કાટમાળમાંથી માનવને શોધવાની તૈયારી: ચીનના ગાન્સુ અને ક્વિનઘાઈ પ્રાન્તમાં ધરતીકંપને પગલે તૂટી પડેલી ઈમારતમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી કરી રહેલા સરકારી કર્મચારીઓ.
નવી દિલ્હી: વાયવ્ય ચીનના પર્વતીય વિસ્તારમાં ૬.૨ની તીવ્રતાના આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ઓછામાં ઓછાં ૧૨૭ જણનાં મોત થયાં હોવાં ઉપરાંત અંદાજે ૭૦૦ જણ ઘાયલ થયા હોવાનું અર્થક્વેક રિલિફ હૅડક્વાર્ટરે મંગળવારે જણાવ્યું હતું.
ચીનના અર્થક્વેક નૅટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે ૧૧:૫૯ વાગે ચીનના ગાન્સુ અને ક્વિનઘાઈ પ્રાન્તમાં ધરતીકંપનાં આંચકા આવ્યાં હતાં. ગાન્સુ અને ક્વિનઘાઈ પ્રાન્તમાં આફ્ટરશૉક પણ અનુભવાયાં હતાં.
ધરતીકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૧૦ કિ.મી.નાં ઊંડાણમાં હતું. નિષ્ણાતોનું કહેવું છે કે હળવો ભૂકંપ માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડે છે.
ક્વિનઘાઈ પ્રાન્ત તિબેટના પર્વતીય વિસ્તારની પાસે આવેલો છે. ધરતીના પેટાળમાં પ્લેટો ખસવાને કારણે આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. ગણતરીના કલાકો બાદ એટલે કે મંગળવારે સવારે ૯:૪૬ વાગે પડોશી શિનજિઆન્ગ ઉગુર સ્વાયત્ત પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. ગાન્સુમાં ભૂકંપને કારણે ૧૧૩ જણનાં અને ક્વિનઘાઈમાં ૧૪ જણનાં મોત થયાં હતાં. અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૩૯૭ જણ ઘાયલ થયાં હોવાનું જાણવાં મળ્યું હતું.
જિશિશાનમાં ભૂકંપને કારણે ૬,૩૮૧ ઘરોને નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં ત્યાં ૩૨ જેટલા આફટરશૉક નોંધાયાં હતાં.
હાન શૂજૂનમાં ૪.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં અનેક રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું અને વીજપુરવઠો તેમજ સંદેશવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ભૂકંપને કારણે યલ્લો રિવર પરના બ્રિજમાં તિરાડો પડી ગઈ હોવાનું પરિવહન ખાતાના પ્રધાને કહ્યું હતું.
ભૂકંપગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી પ્રવાસી અને કાર્ગો ટ્રેનોની સેવા સસ્પેન્ડ કરવામાં આવી હતી.
અગ્નિશમન દળના ૮૮ જેટલા બંબા અને ૫૮૦ બચાવકર્તાઓની ટુકડી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી.
ભૂકંપ બાદ ઓછામાં ઓછી જાનહાનિ થાય તે માટે બનતા તમામ પ્રયાસો કરવાનો અને જરૂરી પગલાં લેવાનો ચીનના પ્રમુખ શી જિનપિંગ અને વડા પ્રધાન લી ક્વિઆન્ગે આદેશ આપ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવાનો અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો પણ તેમણે આદેશ આપ્યો હતો. (એજન્સી)