કાંદાના રિટેલ ભાવમાં ૫૭ ટકાનો ઉછાળો
નવી દિલ્હી: દેશમાં રિટેલ સ્તરે કાંદાના ભાવમાં ૫૭ ટકા જેટલો ઉછાળો આવતા સરેરાશ ભાવ કિલોદીઠ રૂ. ૪૭ની સપાટી સુધી પહોંચતા ગ્રાહકોને રાહત માટે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી કિલોદીઠ રૂ. ૨૫ના રાહતના ભાવે વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યાનુસાર હાલ દેશમાં રિટેલ સ્તરે કાંદાના ભાવ ગત સાલના સમાનગાળાના સરેરાશ કિલોદીઠ રૂ. ૩૦ સામે વધીને રૂ. ૪૭ની સપાટીએ પહોંચ્યા છે. દેશની રાજધાની દિલ્હી ખાતે કાંદાના ભાવ ગત સાલના સમાનગાળાના કિલોદીઠ રૂ. ૩૦ સામે વધીને રૂ. ૪૦ આસપાસની સપાટીએ રહ્યા હતા. એકંદરે કાંદાના ભાવ વધી આવતાં અમે જે રાજ્યોમાં કાંદાના ભાવમાં તિવ્ર ઉછાળો જોવા મળ્યો
છે ત્યાં બફર સ્ટોકમાંથી હોલસેલ અને રિટેલ ધોરણે માલ છૂટો કરી રહ્યા છીએ જેથી રિટેલ ભાવ દબાણ હેઠળ આવે અને ગ્રાહકોને રાહત થાય, એમ ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંઘે પીટીઆઈને જણાવ્યું હતું. મંત્રાલયનાં જણાવ્યાનુસાર ગત ઑગસ્ટના મધ્યથી દેશનાં ૨૨ રાજ્યોના વિવિધ સ્થાનકોમાં અંદાજે ૧.૭ લાખ ટન કાંદા બફર સ્ટોકમાંથી છૂટા કરવામાં આવ્યા છે.
દેશની રિટેલ બજારોમાં બે સહકારી સંસ્થા એનસીસીએફ અને નાફેડનાં આઉટલેટ્સ અને વાહનો મારફતે રાહતના દરે કિલોદીઠ રૂ. ૨૫ના ભાવે વેચાણ કરવામાં આવે છે.
વધુમાં મંત્રાલયનાં અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાનને કારણે ખરીફ કાંદાના વાવેતર વિસ્તારમાં ઘટાડો થવાની સાથે નવી આવકો પણ વિલંબિત થશે. સામાન્યપણે હાલનાં સમયગાળામાં નવાં ખરીફ કાંદાની આવકે શરૂ થઈ જતી હોય છે, પરંતુ નવી આવકો શરૂ નથી થઈ અને સ્ટોકના માલોનું વેચાણ થઈ રહ્યું છે અને ક્રમશ: સ્ટોકમાં ઘટાડો થતાં તંગ પુરવઠે હોલસેલ અને રિટેલ સ્તરે ભાવ વધી રહ્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન વર્ષમાં સરકારે કાંદાનો બફર સ્ટોક બમણો કર્યો હોવાથી આગામી દિવસોમાં સ્થાનિકમાં ઉપલબ્ધિ વધતા ભાવ દબાણ હેઠળ આવશે.