નેશનલ

દિલ્હીમાં સુપરટેકની સ્કીમમાં ફસાયેલા 51 હજાર પરિવારોને ઘર મળશે, સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી-એનસીઆર (NCR) વિસ્તારમાં પોતાના ઘરનું સપનું જ ઈ રહેલા હજારો પરિવારો માટે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને રાહતજનક ચુકાદો આપ્યો છે. છેલ્લા 15 વર્ષથી આવાસની રાહ જોઈ રહેલા સુપરટેક બિલ્ડરના આશરે 51,000 ફ્લેટ ધારકોના હિતમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે સુપરટેકના તમામ લટકતા પ્રોજેક્ટ્સ હવે સરકારી બાંધકામ કંપની NBCC દ્વારા પૂર્ણ કરવામાં આવશે. આ નિર્ણયથી એવા પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી છે જેમણે 2009 થી 2011 દરમિયાન પોતાની જીવનભરની મૂડી ઘર બુક કરાવવામાં લગાવી દીધી હતી.

શું છે સમગ્ર વિવાદ?
સુપરટેક ગ્રુપની મુશ્કેલીઓની શરૂઆત નોઈડાના ઈમેરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટથી થઈ હતી, જ્યાં નિયમો વિરુદ્ધ બાંધવામાં આવેલા બે 40 માળના ટાવરને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઓગસ્ટ 2022માં તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીની આર્થિક સ્થિતિ કથળી હતી અને બેંકોનું લેણું વધતા તેની સામે નાદારીની પ્રક્રિયા શરૂ થઈ હતી. EDની તપાસમાં ખુલાસો થયો હતો કે બિલ્ડરે ખરીદદારોના કરોડો રૂપિયા અન્ય શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી મની લોન્ડરિંગ કર્યું હતું. આ છેતરપિંડીના આરોપસર જૂન 2023માં કંપનીના ચેરમેન આર.કે. અરોરાની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે પ્રોજેક્ટ્સનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.

ફ્લેટ ખરીદદારોની વેદનાને ધ્યાને લેતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે છેલ્લા દોઢ દાયકામાં લોકોની આખી પેઢી બદલાઈ ગઈ છે, છતાં તેમને ઘરની ચાવી મળી નથી. ઘણા લોકો ભાડું અને હોમ લોનના હપ્તા બંને ભરીને આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. કોર્ટે NBCC ને આગામી 2 વર્ષમાં આ 51,000 ફ્લેટ્સનું બાંધકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. જ્યાં સુધી આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી NBCC કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેશે નહીં.

માત્ર ઘર આપવા પૂરતું જ નહીં, સુપ્રીમ કોર્ટે આ કૌભાંડમાં સામેલ જવાબદારો સામે પણ કડક વલણ અપનાવ્યું હતું. અદાલતે બિલ્ડરો અને બેંક અધિકારીઓ વચ્ચેની શંકાસ્પદ મિલીભગતની CBI તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ એવા અધિકારીઓ વિરુદ્ધ થશે જેમણે નિયમો નેવે મૂકીને બિલ્ડરને લોન આપી હતી. હાલમાં સુપરટેકના અનેક ટાવર જર્જરિત હાલતમાં માળખા તરીકે ઉભા છે, પરંતુ હવે સરકારી એજન્સીના હસ્તક્ષેપથી હજારો પરિવારોને આખરે ઘરનું ઘર મળવાની આશા જાગી છે.

આપણ વાંચો:  કર્ણાટકમાં 33 ગ્રામ પંચાયતે લીધો પ્રેરણાદાયી નિર્ણય: પરીક્ષા ટાણે સાંજે 2 કલાક મોબાઈલ-ટીવી પર બ્રેક!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button