મધ્ય પ્રદેશમાં IAS ઓફિસરે 51 કરોડનો દંડ માત્ર 4 હજાર કરી નાખ્યો!

હરદા: મધ્ય પ્રદેશના હરદા જિલ્લાનો ગેરકાયદે ખનન કેસ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. અહીં એક રોડ બનાવતી કંપનીને રૂપિયા 51.67 કરોડના દંડની નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ ચર્ચાનો મુદ્દો એ છે કે, આ રકમને માત્ર 4 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. 51.67 કરોડના દંડની રકમ ઘટાડીને માત્ર 4 હજાર કેવી રીતે કરી દેવામાં આવી? આ મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે. આખરે આવું થયું કેવી રીતે? આની પાછળ કોણ જવાબદાર છે? ચાલો વિગતે જોઈએ…
2023માં કલેક્ટરે 51.67 કરોડનો દંડ ફટકાર્યો હતો
વિગતે વાત કરવામાં આવે તો, 2023માં હરદા જિલ્લાના તત્કાલીન કલેક્ટરે રોડ બનાવતી કંપની પાથ ઇન્ડિયાને પરવાનગી વિના 3.11 લાખ ઘન મીટર મુરમ માટીનું ખનન કરવા બદલ દંડ રૂપે 51.67 કરોડ રૂપિયાની નોટિસ આપવામાં આવી હતી. આમાં 25.83 કરોડ રૂપિયાનો દંડ અને એટલા જ રૂપિયા પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા બાદ અહીં આઈએએસ ડૉ.બી. નાગાર્જુન ગૌડા હરદા જિલ્લાના કલેક્ટર બને છે અને સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બને છે.
આ પણ વાંચો: Gujarat માં બે વર્ષમાં ગેરકાયદે ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી, રૂપિયા 309.25 કરોડની વસુલાત
કોની રહેમ હેઠળ આ રકમ ઓછી કરવામાં આવી?
નવા કલેક્ટરે આ કેસની સુનાવણી કરતા દંડની રકમ ઘટાડીને માત્ર 4 હજાર રૂપિયા કરી દીધી હતી. સુનાવણી દરમિયાન કંપનીએ નોટિસના જવાબમાં કહ્યું કે, તેમને પરવાનગી સાથે જ ખનન કર્યું છે. જો કે, માત્ર 2688 ઘન મીટરમાં જ અવૈધ ખનન કર્યું હોવાનો કંપનીએ સ્વીકાર કર્યો હતો. જેના માટે 4032 રૂપિયાનો દંડ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમાં અવૈધ ખનન અને પર્યાવરણને નુકસાન થયું તેનો દંડ પણ સામેલ છે.
RTI એક્ટિવિસ્ટે આ નોટિસ પર વિરોધ કરી જવાબ માંગ્યો
આ સમગ્ર મામલે આનંદ જાટ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટે આરટીઆઈ કરી હતી. જેમાં આનંદે અધિકારીઓએ લાંચ પેટે રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, તત્કાલીન એડીએમે આ આક્ષેપને નકારી કાઢ્યો હતો. તેમનું કહેવું છે કે, તેમણે તમામ દસ્તાવેજોને આધારે કાયદા પ્રમાણે જ તે આદેશ આપ્યો હતો. જો કે, હરદા કલેક્ટર સિદ્ધાર્થ જૈને જણાવ્યું હતું કે, તત્કાલીન મેજિસ્ટ્રેટ અધિકારી દ્વારા જારી કરાયેલા આદેશ સામે કોઈને પણ વાંધો હોય તો તે અપીલ કરી શકે છે. ત્યાર બાદ નોટિસ આપ્યા બાદ સંબંધિત પક્ષને સાંભળ્યા બાદ તથ્યોના આધારે નવો આદેશ આપવામાં આવી શકે છે.