50 વર્ષનું કામ… 6 વર્ષમાં પૂર્ણવિશ્વ બેંકે મોદીના મક્કમ મનોબળનો સ્વીકાર કર્યો
હાલમાં જ્યારે ભારત G20 સમિટનું આયોજન કરી રહ્યું છે, ત્યારે વિશ્વ બેંકે જબરદસ્ત સારા સમાચાર આપ્યા છે. વર્લ્ડ બેંકે પોતાના એક રિપોર્ટમાં મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું છે કે જેને માટે સામાન્ય રીતે પાંચ દાયકાનો સમય લાગી જાય એવું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમણે માત્ર 6 વર્ષમાં સમગ્ર દેશમાં ઊભું કરી નાખ્યું છે. દેશના દરેક લોકોને બેંક ખાતા, આધાર અને મોબાઈલ કનેક્ટિવિટીનો લાભ મળ્યો છે. ભારતે માત્ર 6 વર્ષમાં નાણાકીય સમાવેશનું લક્ષ્ય હાંસલ કર્યું છે, જે પ્રશંસનીય છે.
ખાસ વાત એ છે કે વર્લ્ડ બેંકના રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ કામ સામાન્ય રીતે હાથ ધરવામાં આવ્યું હોત તો ઓછામાં ઓછા પાંચ દાયકાનો સમય લાગત. મતલબ કે પચાસ વર્ષનું કામ 6 વર્ષમાં પૂરું થયું છે. ભારતે તેના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
વિશ્વ બેંકના દસ્તાવેજમાં જન ધન-આધાર-મોબાઇલ, પ્રધાન મંત્રી જન-ધન એકાઉન્ટ યોજના, જન ધન પ્લસ પ્રોગ્રામ, UPI દ્વારા વ્યવહારો રેકોર્ડ પર લાવવામાં આવ્યા, સરળ KYC પ્રક્રિયા જેવી સ્કીમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધી એવી યોજનાઓ છે જેને પીએમ મોદીએ ખૂબ જ ઉત્સાહથી શરૂ કરી છે અને લોકો સુધી પહોંચાડી છે. લોકોએ પણ આ યોજનાઓનો લાભ લીધો છે. યુપીઆઈ દ્વારા દેશની બહાર પેમેન્ટ કરવાની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે.
વિશ્વ બેંકના દસ્તાવેજમાં આ યોજનાઓના પરિણામોની પણ નોંધ લેવામાં આવી છે. જન ધન પ્લસ પ્રોગ્રામ ઓછી આવક ધરાવતી મહિલાઓને બચત કરવા માટે પ્રોત્સાહિત કરે છે, પરિણામે એપ્રિલ 2023 સુધીમાં 1.2 કરોડ મહિલાઓ આ યોજનામાં જોડાઇ છે. તેવી જ રીતે, અંદાજે રૂ. 14.89 ટ્રિલિયનના મૂલ્યના 9.41 અબજથી વધુ વ્યવહારો માત્ર મે 2023માં જ UPI મારફતે થયા હતા. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે KYC પ્રક્રિયાને સરળ બનાવી છે. તેનાથી બેંકોના ખર્ચમાં ઘટાડો થયો છે.
આ રિપોર્ટ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે વિશ્વ બેંક દ્વારા ભારતના વિકાસ પર ખૂબ જ રસપ્રદ વાત શેર કરવામાં આવી છે. ભારતે માત્ર 6 વર્ષમાં નાણાકીય સમાવેશનું લક્ષ્ય હાંસલ કર્યું છે, નહીં તો તેને ઓછામાં ઓછા 47 વર્ષ લાગ્યા હોત. આ અમારી સરકારના મજબૂત પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અમારા લોકોની મજબૂત ઇચ્છાનું પરિણામ છે. હું આ સિદ્ધિ માટે આપણા લોકોને અભિનંદન આપું છું. તેમણે આગળ લખ્યું છે કે, આ આપણા ઝડપી વિકાસ અને નવીનતાનો પુરાવો છે.