નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની ગઈ કાલે ધપકડ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) સ્પેશિયલ કોર્ટમાં રજુ કર્યા છે. ED તરફથી એડિશનલ સોલિસિટર જનરલ(ASG)એ દલીલ આપ્યા બાદ, અરવિંદ કેજરીવાલ તરફથી એડવોકેટ અભિષેક મનુ સિંઘવી પક્ષ રજુ કરી રહ્યા છે.
કેજરીવાલ તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક સિંઘવીએ કહ્યું, તમે કોઈ કારણ વગર ધરપકડ ના કરી શકો. PMLA ભારતનો કાયદો છે, અન્ય કોઈ દેશનો નથી. અત્યાર સુધી તપાસમાં સામેલ 50 ટકા લોકોએ કેજરીવાલનું નામ લીધું નથી. જ્યારે 82 ટકા લોકોએ કેજરીવાલ સાથે કોઈ વ્યવહારનો ઉલ્લેખ કર્યો નથી.
અભિષેક સિંઘવીએ કહ્યું, પાર્ટીના તમામ મોટા નેતાઓ જેલમાં છે. ચૂંટણી નજીક છે. આનાથી બંધારણના મૂળભૂત માળખાને અસર થાય છે. આ લોકશાહીને અસર કરે છે. લોકશાહીમાં સૌને સમાન તકો હોવી જોઈએ. કેજરીવાલની ધરપકડ કરવાની જરૂર નથી. EDની આ નવી પદ્ધતિ છે. પહેલા ધરપકડ કરો, પછી તેમને સરકારી સાક્ષી બનાવો અને ઈચ્છિત નિવેદનો લો, બદલામાં તેમને જામીન મળે છે.
એડવોકેટ અભિષેક સિંઘવીએ કહ્યું કે, ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સીટીંગ મુખ્ય પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે. આગાઉ તેમની પાર્ટીના ટોચના ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.માર્ચ 2024માં કેજરીવાલની ધરપકડ કરવાનો હેતુ શું છે? ધરપકડનો આધાર શું છે? સાક્ષીઓના નિવેદનો? રાજુએ નિવેદન નોંધાવ્યું છે કે અમને કેજરીવાલની કસ્ટડીની જરૂર નથી. સાક્ષી સૌથી કમનસીબ મિત્ર હોઈ શકે છે, જેણે તેની મુક્તિ માટે સોદો કર્યો હોઈ શકે. ED દ્વારા આ જ 3-4 નામ સતત ઉઠાવવામાં આવી રહ્યા છે.