મથુરામાં ફૂડ પોઇઝનિંગને કારણે 50 લોકો હોસ્પિટલમાં દાખલ

મથુરા: ઉત્તર પ્રદેશના મથુરામાં મહિલાઓ અને બાળકો સહિત 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ મંગળવારે ન્યૂઝ એજન્સી પીટીઆઇને કહ્યું હતું કે એક ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુ લોકોને પકોડા ખાધા બાદ કથિત રીતે ફૂડ પોઇઝનિંગ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના સોમવારે રાત્રે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન બની હતી.
સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલી કિશોરી પ્રિયંકાએ જણાવ્યું હતું કે, “અમે કાલે રાત્રે ઘઉંના લોટમાંથી બનાવેલા પકોડા ખાધા હતા. આ પછી મને ઉલટી થવા લાગી અને પેટમાં બળતરાનો અનુભવ થયો.” એક દર્દી સાથે આવેલા પરખમ સિંહે જણાવ્યું કે પકોડા ખાધા પછી લોકોએ ચક્કર આવવા, ઉલટી અને ધ્રુજારી આવવાની ફરિયાદ કરી હતી. લોટ ગામની સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે મારા ગામના લગભગ 50 લોકો બીમાર પડ્યા છે.
ગામના અન્ય રહેવાસી મહેશે કહ્યું હતું, “મારી પત્ની ઊભી રહી શકતી નથી, તે ખૂબ જ નબળાઇ અનુભવી રહી છે. હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે સવારે 1 વાગ્યે લગભગ 29 દર્દીઓને ઉલટી અને બેચેનીની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. “મને કહેવામાં આવ્યું છે કે કેટલાક અન્ય દર્દીઓને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દાખલ થયેલા તમામ લોકોની સારવાર ચાલી રહી છે, તેમની હાલત સ્થિર છે અને સુધારો થઈ રહ્યો છે.